મોટી દમણના નિવાસ સ્થાન ગવર્નમેન્ટ હાઉસ ખાતે તા.25મી ઓક્ટોબર, 2016નારોજ આયોજીત પ્રથમ દિવાળી સ્નેહમિલન સમારંભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વ્યક્ત કરેલા ઉદ્ગારો આજે આઠમી દિવાળીએ એકદમ યથાર્થ સાબિત થયા છે
પ્રશાસકશ્રીના પ્રથમ દિવાળી સ્નેહ મિલન સમારંભમાં સાંસદ, તત્કાલિન પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પણ પ્રગટ કરેલી સંભાવનાઓ પણ સો ટકા સાચી સાબિત થઈ
આજે દાનહ અને દમણ-દીવમાં બાળકના ગર્ભધારણથી લઈ તેના જન્મ સુધી અને જન્મ બાદ કોલેજ જાય ત્યાં સુધીની પ્રશાસન દ્વારા લેવાતી કાળજી અને માનવીય સંવેદનશીલ અભિગમ સાથેની વ્યવસ્થા ભાગ્યે જ કોઈ સરકાર કે પ્રશાસનમાં હશે
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં દમણ પોતાની આઠમી દિવાળીની ઉજવણી માટે તત્પર બન્યું છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્ટ, 2016ના રોજ પોતાનો પદભાર સંભાળ્યા બાદથી આ તેમની લગાતાર આઠમી દિવાળી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનો અખત્યાર સંભાળ્યાના બે મહિના બાદ દિવાળી નિમિત્તે પોતાના મોટી દમણના નિવાસ સ્થાન ગવર્નમેન્ટ હાઉસ ખાતે આયોજીત સ્નેહમિલન સમારંભમાં વ્યક્ત કરેલા ઉદ્ગારો આજે ખુબ જ યથાર્થ સાબિત થયા છે અને તે દિવસે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, તત્કાલિન પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી ગોપાલ દાદા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલેપ્રગટ કરેલી સંભાવનાઓ પણ સો ટકા સાચી સાબિત થઈ છે.
મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે 25મી ઓક્ટોબર, 2016ના રોજ દિવાળી નિમિત્તે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખુબ જ ઈમાનદારીથી ‘‘હું પ્રશાસક તરીકે ક્યારેય ખોટું નહીં કરૂં એ સમજીને ચાલવા તમામ ઉપસ્થિતોને જણાવ્યું હતું.” તેમણે ખુબ જ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘હવેથી નાની-મોટી ગેરરીતિઓ પણ ભૂતકાળ બની જશે અને ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ કરવા ઈમાનદારીથી કરાનારા પ્રયાસની પણ જાણકારી આપી હતી.”
પ્રશાસકશ્રીએ દમણના વિકાસના પાયામાં ઉદ્યોગોની મહત્ત્વની ભૂમિકા હોવાનું જણાવી ઉપસ્થિત સાંસદ, તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને માર્મિક રીતે ઉદ્યોગોને સહકાર આપવા પણ ટકોર કરી હતી.
આ વાત અમે એટલા માટે યાદ અપાવીએ છીએ કે, જો તમારો દૃષ્ટિકોણ નિヘતિ હોય અને આચરણમાં દંભ વગરની ઈમાનદારી હોય તો ધારેલા પરિણામ મળી શકે છે એ ફક્ત દમણ અને દીવે જ નહીં, પરંતુ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપમાં થઈ રહેલા આમૂલ પરિવર્તને સાબિત કરી બતાવ્યું છે.
25મી ઓક્ટોબર, 2016ના રોજ મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે આયોજીત પ્રશાસકશ્રીના પહેલા દિવાળી મિલન સમારંભમાં સાંસદ શ્રીલાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે નવી નવી યોજનાઓ લાગૂ કરી દેશવાસીઓને ખુશીઓ મનાવવા માટે તક આપી રહ્યા છે તે રીતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પણ નવી નવી યોજનાઓ લાગૂ કરી દર મહિને પ્રદેશવાસીઓને દિવાળી ઉજવવાની તક આપે એવી શુભકામના વ્યક્ત કરી હતી. આ સમારંભમાં તત્કાલિન પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી ગોપાલ દાદાએ જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મનમાં દમણ-દીવના વિકાસ માટે આગવી ઝંખના છે. તેથી દમણ-દીવમાં પરિવર્તન આવશે જ તેવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અહીં અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટો કાર્યાન્વિત કરી દમણ-દીવનું નામ ભારતના નકશામાં ઉભરી આવે એ પ્રકારનું આયોજન કરી રહ્યા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલે નિખાલસ એકરાર કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી અનેક પ્રશાસકો આવી ગયા, પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ દમણ-દીવમાં કઈંક નવું થશે એવો વિશ્વાસ પેદા થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્ટ, 2016ના રોજ પદભાર સંભાળ્યો હતો અને 25મી ઓક્ટોબરે આયોજીત દિવાળી સ્નેહ મિલન સમારંભમાં દરેક નેતાઓએ પણ પ્રદેશના વિકાસનીવ્યાખ્યા બદલી નાંખશે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
પ્રશાસકશ્રીની ઉપસ્થિતિમાં પ્રદેશ આઠમી દિવાળી ઉજવવા માટે થનગની રહ્યો છે અને તેમણે પોતાની પ્રથમ દિવાળીના સ્નેહ મિલન સમારંભમાં પ્રદેશના ગરીબ, દલિત, આદિવાસી, મહિલા, શિક્ષણ, આરોગ્ય તથા દરેક ક્ષેત્રે પ્રગટ કરેલી વિકાસની ઝંખના આજે પરિપૂર્ણ થતી જોવા મળી રહી છે.
પ્રશાસકશ્રીએ પોતાની કલ્પનામાં ઉપસાવેલા દમણ-દીવ અને દાદરા નગર હવેલીના વિકાસ ચિત્રને ચરિતાર્થ કરવા છેલ્લા સાત વર્ષથી અથાક પ્રયાસો કર્યા છે, અનેક વિટંબણાઓનો સામનો કર્યો છે, પ્રદેશના હિત માટે અનેક વરિષ્ઠો જોડે બાથ પણ ભીડી હશે, પરંતુ છેવટે તેમણે પોતાની ધારણાં મુજબના દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણને આખરી ઓપ આપવા મહદ્અંશે સફળતા મેળવી હોવાનું માની શકાય છે. કારણ કે, આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બાળકના ગર્ભધારણથી લઈ તેના જન્મ સુધી અને જન્મ બાદ કોલેજ જાય ત્યાં સુધીની કાળજી સંઘપ્રદેશ પ્રશાસન લઈ રહ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા અને આ પ્રકારનો માનવીય સંવેદનશીલ અભિગમ ભાગ્યે જ કોઈ સરકાર કે પ્રશાસનમાં હશે એવું અમારૂં સ્પષ્ટ માનવું છે.
સોમવારનું સત્ય
ઘણાં નેતા, રાજનેતા અને અધિકારીઓ ભૂલી જાય છે કે, દમણ-દીવ અને દાદરા નગર હવેલીખુબ જ નાનું હોવા છતાં વાચાળ છે. અહીં ભાગ્યે જ કોઈ વાત ખાનગી રહેતી હોય છે. તેથી અહીં રસોઈથી માંડી કોણ ક્યાં જાય છે અને શું કરે છે તેની ચર્ચાઓ મહોલ્લે મહોલ્લે અને બિયર-વ્હિસ્કીની ચુસ્કીઓ સાથે થતી રહે છે.