(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ અને વન વિભાગના સહયોગથી આજે ડોકમરડી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવામૃત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે યાદ રહે કે, હાલમાં કેન્દ્ર સરકારે જૈવિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને ખેડૂતો જૈવિક ખેતીતરફ વળે એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી જીવામૃત કેવી રીતે બનાવી શકાય તેની પ્રક્રિયા સ્થાનિક ખેડૂતોને બતાવવામાં આવી હતી. જેના માટે દસ લીટર દેશી ગાયનું મૂત્ર, 10 કિલો દેશી ગાયનું છાણ, એક મુઠ્ઠી ઝાડ નીચેની કે વાડીની માટી, એક કિલો દેશી ગોળ, એક કિલો ચણા કે કોઈપણ દાળનો લોટ. આ તમામ સામગ્રીનું મિશ્રણ તૈયાર કરવા તેને 200(બસ્સો) લીટર પાણીમાં ભેળવી દેવું, ત્યારબાદ મિશ્રણને કંતાન(શણના કોથળા)થી ઢાંકી દેવું. બાદમાં સવાર-સાંજ પાંચ મિનિટ આ મિશ્રણને હલાવતા રહેવું, આ મિશ્રણ તૈયાર થતાં ઉનાળામાં બે-ત્રણ દિવસ લાગશે જ્યારે શિયાળામાં એક અઠવાડીયામાં તૈયાર થઈ જાય છે. આ જીવામૃતને ગાળીને એક એકર જમીનમાં પિયતના પાણી સાથે અથવા ઉભા પાકમા છંટકાવ કરી શકાય છે. આ જીવામૃત તૈયાર થયા પછી તેનો પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકાશે.
આજના કાર્યક્રમમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક (સી.સી.એફ.) શ્રી એમ.રાજકુમાર(આઈ.એફ.એસ.), નાયબ વન સંરક્ષક (ડી.સી.એફ.) શ્રી થોમસ વર્ગીસ(આઈ.એફ.એસ.) અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.