ઘેકટી ગામે ખાલી પડેલી સરપંચની ચૂંટણી લડવા માટે ભાજપના ઉમેદવારો થનગની રહ્યા છે
સરપંચની ચૂંટણી લડવા માટે થનગની રહેલા આગેવાનોમાં પણ ચહલ પહલ વધી જવા પામી છે. તાલુકામાં આ સાથે 12 ગામોના 14-જેટલા વોર્ડ સભ્યોનીપણ પેટા ચૂંટણી યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.05: ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી આવનાર સમયમાં જાહેર થવાની શકયતા વચ્ચે મામલતદાર કચેરી દ્વારા મતદાર યાદી સહિતના કામોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને જરૂરી તમામ વિગતો પણ ઉપલી કચેરીએ પહોંચાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તાલુકામાં કણભાઈ અને સતાડીયા ગ્રામ પંચાયતની મુદત પૂરી થતાં જ્યારે રૂમલા, આંબાપાડા, સિયાદા, પ્રધાનપાડા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળીયા ગામો ગ્રામ પંચાયતના વિભાજન થવાથી, ઘેકટી ગામે સરપંચનું નિધન થવાથી જ્યારે નોગામાં, સાદકપોર, ઢોલુમ્બરમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાથી સરપંચોની બેઠક ખાલી પડેલ છે. જોકે સાદકપોર અને ઢોલુમ્બર ગ્રામ પંચાયતનો વિવાદ નામદાર હાઇકોર્ટમાં હોય આ બે ગ્રામ પંચાયતોની હાલે પેટા ચૂંટણી યોજવાની શકયતા નહીંવત છે.
આ ઉપરાંત તાલુકાના મીણકચ્છ, હોન્ડ, તલાવચોરા, સાદકપોર, ઘેકટી, તેજલાવ, નોગામાં, સોલધરા, આમધરા, અગાસી, અંબાચ, સુરખાઈ સહિતના ગામોમાં કુલ-14 જેટલા વોર્ડ સભ્યોની ખાલી પડેલ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
જોકે સામાન્ય ચૂંટણી યોજવાની છે. તે ગ્રામ પંચાયતોમાં સરપંચ વોર્ડસભ્યોની બેઠક માટેની અનામત કેટેગરી પણ હજુ જાહેર થઈ નથી પરંતુ આવનાર નજીકના દિવસોમાં ગમે ત્યારે ચૂંટણી થઈ શકે તેવી સ્થિતિમાં સરપંચની ચૂંટણી લડવા થનગની રહેલા આગેવાનોની પણ રાજકીય ચહલ પહલ વધી જવા પામી છે.