ગત તા.28 ઓક્ટોબરના રોજ વેપારી પાસે પંચાયતના દાખલા પેટે સરપંચ સેવંતાબેન પટેલે લાંચ માંગી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી પાસે આવેલ નાની તંબાડી ગામના મહિલા સરપંચએ ગત તા.28મી ઓક્ટોબરના રોજ ગામના કાપડના વેપારી પાસે પંચાયતના દાખલા પેટે રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. ત્યારે એસીબીએ ગોઠવેલા છટકામાં મહિલા સરપંચ લાંચના 5 હજાર સ્વિકારતા એ.સી.બી.એ રંગે હાથ ઝડપી પાડયા હતા. આ લાંચ પ્રકરણમાં મહિલા સરપંચને હોદ્દા ઉપરથી દુર કરવામાં આવ્યા છે.
નાની તંબાડી પંચાયત સરપંચ સેવંતાબેન પટેલ પાસે સાડી-કપડાના વેપારીએ જી.એસ.ટી. નંબર મેળવવા માટે પંચાયતમાં દાખલો માંગ્યો હતો તે પેટે મહિલા સરપંચે રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. વેપારીએ આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ એ.સી.બી.એ દુકાન પાસે છટકું ગોઠવ્યું હતું. તા.28 ઓક્ટોબરના રોજ સરપંચ દુકાને લાંચના પૈસા લેવા આવ્યા હતા. એ.સી.બી.એ લાંચની રકમ સ્વિકારતા મહિલા સરપંચ સેવંતાબેન પટેલને રંગે હાથ ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં સરપંચને કારણ દર્શક નોટીસ પાઠવાઈ હતી. જેનો જવાબસંતોષકારક નહી આપી શકતા સરપંચના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરાયા હતા.