(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: ચીખલીમાં સતત બીજા દિવસે પણ હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ યથાવત રહેતા હજારો માલવાહક વાહનોના પૈડાં થંભેલા રહ્યા હતા. ક્વોરી સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સિમેન્ટ, ડામર વિગેરેના સપ્લાય પર પણ અસર થવા પામી છે.
હિટ એન્ડ રનના કાયદામાં 10-વર્ષની સજા અને દંડની જોગવાઈ રદ કરવાની માંગ સાથે ચીખલીમાં પણ બે હજાર જેટલા ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા હતા અને તેઓની માંગ પર અડગ રહી સતત બીજા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી. જો કે ગતરોજ ખૂંધ સાત પીપળા પાસે ચિખલી વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ચક્કા જામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ખડકીદેવાયો હતો જેનું આજે બીજા દિવસે પુનરાવર્તન ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી તકેદારી રાખવામાં આવી રહી હતી.
ચીખલીના ક્વોરી ઉદ્યોગમાંથી સુરત, વાપી સહિતના વિસ્તારમાં મોટાપાયે ખનિજનું વહન થતું હોય છે. જેને પગલે ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ સહિતના મુખ્ય માર્ગો ટ્રકોથી ધમધમતા હોય છે પરંતુ હાલે ટ્રક ચાલકોની હડતાળને પગલે ખનીજનું વહન અટકી જતા કેટલાક ક્વોરીના માલિકો સંચાલકોએ ઉત્પાદન બંધ કરવાની તો કેટલાકને સ્ટોક કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સિમેન્ટની સપ્લાય પર પણ અસર થવા પામી હતી. બીજી તરફ ડામરના ટેન્કરો પણ ન આવતા હડતાળની વ્યાપક અસર થવા પામી છે. ટ્રક ચાલકોની હડતાળનો અંત ન આવે તો બાંધકામ તથા સરકારના પ્રોજેક્ટો પણ ઠપ થઈ જાય તેવી સ્થિતિના એંધાણ વર્તાય રહ્યા છે.
ચીખલીમાં વાંસદા રોડ પર અઢાર પીર પાસે ધારાસભ્ય અનંત પટેલ બુધવારના રોજ દશ કલાકે ઉપસ્થિત રહી ટ્રક ચાલકો સાથે સભા યોજવાના હોવાના મેસેજ વચ્ચે ટ્રક ચાલકોનો ઉત્સાહ વધવા પામ્યો હતો.