તા.22મીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ગૌરવવંતી ક્ષણોમાં બીજી દિવાળી ઉજવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: 500 વર્ષની સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રીરામની પ્રતિમાની તા.22 જાન્યુઆરી 2024 રોજ રામજન્મ ભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ ગૌરવવંતી ક્ષણોની પૂર્વ સંધ્યાએ વલસાડ તિથલ દરિયા કિનારે તા.21ના રોજ વિવિધ હિંધુ સર્વ સમાજ દ્વારા 51,101 દીવડા પ્રગટાવી મહાઆરતી કરી બીજી દિવાળી ઉજવાશે તેમજ વર્લ્ડ રેકર્ડ સર્જાવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
વલસાડ હિંદુસેવા સંસ્થા અને સર્વ હિંદુ સમાજ દ્વારા તા.21-1-24 ના રોજ સાંજે 6:30 કલાકે તિથલ દરિયા કિનારે 51,101 દિવડા પ્રગટાવીને મહા આરતી યોજાશે. જેની માહિતી આપતા મુખ્ય આયોજક રતનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 500 વર્ષ પછી ફરી સોનેરી દિવસઆવી રહ્યો છે. જેનો મહિમા દિવાળી કરતા વિશેષ છે તે માટે હિંદુ સમાજ એક થયો છે. 51 હજાર દિવડા પ્રગટાવાના કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાનાર છે. તિથલ બીચના વોક વે ઉપર દિવડા પ્રગટાવાશે. મહિલાઓ દ્વારા રંગોળી ફુલહારનું ડેકોરેશન કરાશે તેમજ 15 હજાર ઉપરાંત ભાવિકો ઉપસ્થિત રહેશે. હિંદુ અગ્રણી બકુલ રાજગોરે જણાવ્યું છે કે, વલસાડ નવસારી જિલ્લાના લોકોને હાર્દિક જાહેર આમંત્રણ છે તેમજ રામલલાનો ઉત્સવ ધામધૂમથી ઉજવવાની અપીલ કરી હતી.