વન્ય પ્રાણીના અવશેષ પાસે રાખવાના ગુનામાં વન વિભાગે કાર્યવાહી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ પ્રબળ અંધશ્રધ્ધા પ્રવર્તી રહી છે. ભગત-ભુવાની ચાલબાજીમાં લોકો સપડાતા રહે છે. કંઈક તેવી જ ઘટના કપરાડાના નારવડ ગામે ઘટી છે. ભગતની વાતોમાં આવી જઈને મૃત દિપડાનું ચામડું તથા પગના ચાર પંજાના નખ કાપી વેચવાની ફિરાક કરતા જંગલ ખાતાએ સાતને ઝડપી પાડયા હતા.
કપરાડા ફોરેસ્ટ વિભાગે જણાવ્યા મુજબ નારવડ ગામે રહેતા માજી સરપંચ હરેશભાઈ ઈદીંરાભાઈ કુવરના ખેતર પાસે ખનકીમાં દીપડો પડેલો હતો. તેથી પત્ની અનેરમેશભાઈ ડરીને ખેતર છોડી ચાલી ગયેલ. બીજા દિવસે દિપડો મૃત જમાતા તેમણે ગામના નામદેવ શીવરામ કુંવરને જાણ કરી હતી તે પછી નામદેવ સોમા કિશન ગળદે રહે.કળી અન્ય ત્રણે ભેગા મળીને દિપડાનું ચામડું અને ચારે પગના પંજા કુહાડી-ચપ્પુ વડે કાપી લઈ ગયા હતા. સોમા કિશન ભગતનું કામ કરતો હતો તેમણે લાલચ અને અંધશ્રધ્ધા માટે આવી ચામડું વેચવાની તજવીજ શરૂ કરી હતી તે દરમિયાન શંકર તુલસીરામ ભુસારા, માજી સરપંચ બાપજી લાકડુ લાહુ પટારાનો સંપર્કમાં આવ્યા બાદ દિપડાનું ચામડું-પંજા નાસિક વિસ્તારમાં ગ્રાહક શોધતા રહેલા. આ બાબતની જંગલ વિભાગને માહિતી મળતા ડમી ગ્રાહકને મોકલી તમામ સાતને વન પ્રાણ સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2002 મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓના જામીન નામંજુર થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.

