દુકાનોના કેરેટ ચોરી થતા હોવાથી વેપારીઓએ વોચ ગોઠવીને દૂધ ચોરોને ઝડપી પાડી મેથી પાક ચખાડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી તથા જીઆઈડીસી વિસ્તારમાં મળસ્કે દૂધના કેરેટ ઉતારી ડેરીના વાહનો ગયા બાદ દૂધચોરટા રિક્ષા લઈને તેવા કેરેટો ચોરવાના આદિ થઈ ગયેલા. વારંવાર દૂધના કેરેટોની ચોરી થતા હોવાથી વેપારીઓ સતર્ક થઈ ગયા હતા. રાત્રે વોચ ગોઠવી હતી તે દરમિયાન દૂધ ચોરવા રિક્ષા લઈને આવેલા બે ચોરટાઓને વેપારીઓએ રંગે હાથ ઝડપી પાડયા હતા.
વાપી જીઆઈડીસી અને ટાઉનમાં વસુધારા ડેરીની ગાડીઓ સવારે ત્રણથી ચાર વાગ્યાના સુમારે દૂધના કેરેટ પહોંચાડવા રોજ આવે છે. તેથી દૂધ ચોરો વહેલી સવારે સુમસામ સમયે રિક્ષામાં આવી દૂધના કેરેટો રિક્ષામાં ભરી ચોરી કરી ફરાર થઈ જતા હતા. તેથી કેન્દ્ર ધરાવતા બે-ત્રણ વેપારીઓએ રાત્રે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાબેતા મુજબ દૂધ ચોરો રિક્ષા લઈને દૂધના કેરેટ ચોરી કરવા આવેલા હતા. કેરેટ રિક્ષામાં ભરતા હતા ત્યાં વેપારીઓએ ચોરોને ઝડપી પાડી બરાબરનો માર મારી મેથીપાક ચખાડયો હતો. જો કે ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દૂધ ચોરો અલગ અલર વિસ્તાર બદલતા રહેતા તેથી પકડાતા નહોતા પરંતુ અંતે તેમનો ખેલ ખતમ થઈ ગયો હતો. વેપારીઓએ રિક્ષામાંથી 10 કેરેટ દૂધના કબજે લઈ લીધા હતા.