(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતા કાવડેજ ગામ તેમજ ખાંભલા ગામ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાવડેજ તેમજ ખાંભળા ગામ ખાતેના વિકાસ કાર્યો થકી કુલ 64 જેટલા વિવિધ માર્ગોના કામો માટે કુલ 6621.80 લાખ રૂપિયાના ખર્ચે, કુલ 36 જેટલા ગામોના 105.77 કીમી લંબાઈના આંતરિક માર્ગો બનવાથી સ્થાનિક કક્ષાએ આશરે 92000 થી પણ વધુ લોકોને સીધો લાભ મળશે. આ રસ્તાઓમાંથી 11.30 કિમીના 6 કાચા રસ્તા આઝાદી પછી પ્રથમવાર ડામરના પાકા રોડ-રસ્તાઓ બનશે.
ગામજનો, સામાજિક આગેવાનો દ્વારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી ઉલ્લાસથી આદિવાસી સમાજના પરંપરાગતઉત્સવમાં પણ સહભાગી થયા હતા.
આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી લોચનભાઈ શાસ્ત્રી, શ્રી શિવેન્દ્રસિંહ બાપુ, ભાજપ અગ્રણી શ્રીમતી સુમિત્રાબેન પટેલ સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.