Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવના પાંચમા વિલીનીકરણ દિવસ નિમિત્તે સંઘપ્રદેશના સર્વાંગી વિકાસનો સૂર્યોદયઃ નવી આશા-આકાંક્ષાનો જયઘોષ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિઝન ઉપર લાગેલા મહોરની રજૂ કરેલી વિકાસ ગાથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં 26મી જાન્‍યુઆરી, 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના 5મા એકીકરણ દિવસની ઉજવણી ખુબ જ ધામધૂમથી આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમારંભના મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તિરંગો ફરકાવ્‍યો હતો અને ત્‍યારબાદ રાષ્‍ટ્ર ગીતની સાથે દેશના 75મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના પાંચમા એકીકરણ દિવસના સમારંભનો શુભારંભ કરાવ્‍યો હતો. ત્‍યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જવાનો દ્વારા આપવામાં આવેલી સલામીને ઝીલી હતી.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવબાબાસાહેબ આંબેડકરને નમન કરી યાદ કરતા તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શનમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા અકલ્‍પનિય વિકાસ અને તમામ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વર્ષ 2024ની શરૂઆતમાં જ સંઘપ્રદેશને રાષ્‍ટ્રીય સ્‍તરની મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું આયોજન કરવાનો અવસર મળ્‍યો. 8 દિવસ સુધી ચાલેલા આ રાષ્‍ટ્રીય રમતોત્‍સવમાં ફક્‍ત દેશમાં જ નહીં, વિદેશમાં પણ ડંકો વાગ્‍યો હતો. કારણ કે, સંઘપ્રદેશમાં રમત-ગમત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રમાં પણ ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં થયેલી આ પ્રગતિનો ભરપુર લાભ આપણા યુવા ખેલાડીઓને મળી રહ્યો છે. પ્રશાસકશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશમાં સૌપ્રથમ વખત આ ટચૂકડા સંઘપ્રદેશમાં ઓવરબ્રિજ નીચે એક અતિ આધુનિક સ્‍પોર્ટ્‍સ સેન્‍ટરનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં ટેબલ ટેનિસ, કેરમ, જુડો, બોક્‍સિંગ, પિસ્‍તોલ શૂટિંગ, એર રાઈફલ વગેરે રમતોનો પણ સમાવેશ કરવામાં આવશે.
વર્ષ 2023માં શરૂ કરાયેલા સ્‍પોર્ટ્‍સ આઉટ રીચ પ્રોગ્રામ હેઠળ ત્રણેય જિલ્લાની 42 ગ્રામ પંચાયતોના તમામ ગામોમાં 650 ગામોના પાડા અને નગરપાલિકા વિસ્‍તારમાં 2000થી વધુ ટીમોને રમતગમતસાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવશે જેના દ્વારા 32,000થી વધુ ખેલાડીઓ લાભાન્‍વિત થશે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશમાં પ્રવાસનને પ્રોત્‍સાહન આપવા માટે હાલમાં જ દીવ-અમદાવાદ-દીવ અને દીવ-સુરત-દીવ માટે. દરરોજ વિમાની સેવાઓ શરૂ કરવામાં આવી છે. સંઘપ્રદેશમાં ગ્રામીણ વિસ્‍તારોના વિકાસ હેતુ 34 નવા પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પંચાયત ઘર વન સ્‍ટોપ સેન્‍ટરના રૂપમાં હશે. જ્‍યાં આમ આદમીને સાર્વજનિક સેવા સરળતાથી ઉપલબ્‍ધ થશે. ગ્રામીણ વિસ્‍તારોમાં મહિલાઓને આર્થિક રીતે સશક્‍ત બનાવવા માટે અત્‍યાર સુધી કુલ 1700 સ્‍વયં સહાયતા જૂથની રચના કરવામાં આવી છે, આ જૂથોની મહિલાઓ મશરૂમની ખેતી, પાપડ, અથાણાં, કપડાંની થેલી વગેરે બનાવીને આર્થિક રીતે આત્‍મનિર્ભર બની રહી છે.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કરકમળો દ્વારા સર્વશ્રેષ્‍ઠ પરેડ પ્‍લાટૂન તથા ઝાંખી પ્રદર્શનને પુરસ્‍કૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગો, પંચાયતો અને નગરપાલિકા વોર્ડને પોતાના વોર્ડની સ્‍વચ્‍છતા અને પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષમાં કરેલી ઉત્‍કૃષ્‍ઠ રોશની સજાવટ માટે પુરસ્‍કારોથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ,સંઘપ્રદેશના પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, સહપ્રભારી શ્રી દુષ્‍યંત પટેલ, દાનહ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ તથા શ્રી સીતારામભાઈ ગવળી, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, પોલીસ મહા નિરીક્ષક શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે, મુખ્‍ય વન સંરક્ષક શ્રી એમ. રાજ કુમાર, પ્રવાસન સચિવ શ્રી એસ. અસ્‍કર અલી, દાનહ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, એસ.પી. શ્રી અમિત શર્મા, સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, પ્રશાસકશ્રીના વિશેષ કાર્ય અધિકારી સુશ્રી ચાર્મી પારેખ, નિવાસી નાયબ કલેક્‍ટર(મુખ્‍યાલય) શ્રી અમિત કુમાર, વરિષ્‍ઠ અધિકારીઓ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલરો, પત્રકારો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ તથા દાનહના નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

દાનહ અને દમણ-દીવમાં સારી આરોગ્‍ય સેવા પુરી પાડવા પ્રશાસન સંકલ્‍પબધ્‍ધ

દમણમાં  300 બેડ ધરાવતી સરકારી મરવડ હોસ્‍પિટલ તથા સેલવાસમાં લગભગ 1300 બેડની સુપર સ્‍પેશિયાલીટી હોસ્‍પિટલનું શ્રી વિનોબા હોસ્‍પિટલનું નિર્માણપ્રગતિ ઉપર 

પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 75મા પ્રજાસત્તાક દિવસે પ્રજાજોગ આપેલા સંભાષણમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશમાં શિક્ષણના સ્‍તરને અને તેની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે પ્રશાસન ફક્‍ત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રમાં જ નહીં પરંતુ માનવ સંસાધનમાં પણ જરૂરી રોકાણ કરી રહ્યું છે. પાછલા વર્ષમાં આ પ્રદેશમાં 18 નવી શાળાઓનું નિર્માણ કરવામાં આવ્‍યું અને શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે. પ્રશાસકશ્રીએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, પ્રદેશના નાગરિકોને સારી અને ગુણવત્તાયુક્‍ત આરોગ્‍ય સેવા પુરી પાડવા માટે દમણમાં  300 બેડ ધરાવતી સરકારી હોસ્‍પિટલ તથા સેલવાસમાં લગભગ 1300 બેડની સુપર સ્‍પેશિયાલીટી હોસ્‍પિટલનું નિર્માણ પ્રગતિમાં છે. વધુમાં સંઘપ્રદેશમાં 42 એકર જમીન ઉપર લગભગ રૂા.70 કરોડના ખર્ચથી 100 બેડની સુવિધાવાળી પ્રથમ આયુર્વેદિક હોસ્‍પિટલનું નિર્માણ પણ કરવામાં આવશે. આ સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં આયુષ્‍માન કેન્‍દ્રો અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોનું નવીનિકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં નરોલી  પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કામ શરૂ થયું છે. ખડોલી અને સામરવરણી પંચાયતમાં બે નવા આરોગ્‍ય અને કલ્‍યાણ કેન્‍દ્રો વિકસિત કરવામાં આવી રહ્યા છે. સંઘપ્રદેશની સ્‍કૂલોમાં 1,80,000બાળકોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી, જેમાં વૈજ્ઞાનિક અભિગમ સાથેની કાર્યવાહીથી કુપોષણમાં ઘટાડો લાવવામાં સંઘપ્રદેશ પ્રશાસનને સફળતા મળી હોવાની જાણકારી પ્રશાસકશ્રીએ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, કુપોષણ તથા ટી.બી.(ક્ષય) જેવી જીવલેણ બિમારીઓને જડમૂળથી નેસ્‍તનાબૂદ કરવા માટે સંઘપ્રદેશ પ્રશાસન કટિબધ્‍ધ છે.  સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ક્ષયના દર્દીઓને દત્તક લેવામાં આવી રહ્યા છે, જેના થકી ક્ષયના દર્દીઓની સંખ્‍યામાં ઘટાડો થયો છે અને આ વર્ષમાં 32 ગ્રામ પંચાયતો ક્ષયમુક્‍ત થઈ જશે. સાથે જ દીવ જિલ્લો ક્ષયમુક્‍ત જાહેર થશે.

દમણમાં જમ્‍પોર તથા દેવકા સી-ફ્રન્‍ટ ઉપર જાહેર એનાઉન્‍સમેન્‍ટ સિસ્‍ટમઃ દાનહના પણ અનેક વિસ્‍તારોમાં  થનારો જાહેર એનાઉન્‍સમેન્‍ટ સિસ્‍ટમનો પ્રયોગ

ભારે વરસાદ, વાવાઝોડું તથા દમણગંગા નહેરમાંથી છોડાતા પાણીથી ગામવાસીઓ માહિતગાર થશે

પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાગરિકોને સંબોધતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીમાં આદિવાસી ભાઈઓ અને મહિલાઓને વન અધિકાર કાયદા અંતર્ગત 1122 લાભાર્થીઓને જમીનના હક્કો આપવામાં આવશે. તેમણે દમણમાં જમ્‍પોર અને દેવકા સી-ફ્રન્‍ટ પર જાહેર એનાઉન્‍સમેન્‍ટ સિસ્‍ટમ દ્વારા સવારે અને સાંજે ભજન-ગીતોનું પ્રસારણ કરવામાં આવનાર હોવાનીમાહિતી આપી હતી. 1 થી 3 વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી અને સ્‍તનપાન કરાવતી મહિલાઓને ટેક હોમ રાશન કિટના રૂપમાં પૌષ્‍ટિક લાડુ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત 1 થી 3 વર્ષ સુધીના બાળકોને દર મહિને 50 બેસનના લાડુ તથા ગર્ભવતી અને સ્‍તનપાન કરાવતી માતાઓને 50 પૌષ્‍ટિક જુવાર-બાજરીના લાડુ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

દાનહ અને દમણ-દીવના પરિવહન વિભાગે શરૂ કરેલી ફેસલેસ સુવિધાઃ નાગરિકોને આરટીઓ ઓફિસના ધક્કા નહીં ખાવા પડશે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પરિવહન વિભાગ તેની વધુમાં વધુ સેવાઓ 100 ટકા ફેસલેસ આધારિત આપવાની શરૂઆત કરી રહ્યો છે. આ પ્રકારની સેવા આપનારો આપણો સંઘપ્રદેશ દેશનો પહેલો સંઘપ્રદેશ બનશે. સેવાઓમાં ઔર વધુ પારદર્શકતા લાવવા તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ પુરી પાડવાના હેતુથી પરિવહન વિભાગની 48 જેટલી સેવાઓ 100 ટકા ઓનલાઈન કરવામાં આવશે. પડોશી રાજ્‍ય મહારાષ્‍ટ્રમાં 34 અને ગુજરાતમાં 32 સેવાઓને 100 ટકા ફેસલેસ બનાવાઈ છે. દાદરા નગર હવેલી હવેલી જિલ્લાએ થોડા દિવસો પહેલાં જમીન ધારણ મર્યાદાની જોગવાઈઓને લાગૂ કરીને લેન્‍ડ હોલ્‍ડિંગના એકીકરણને ઘટાડવાના પ્રયાસો કર્યા છે. નાના જમીનધારકો તેમના કૃષિ ઝોનમાં સીધાવિકાસ પરવાનગીના માધ્‍યમથી પોતાના ઘર(50 ચોરસ મીટર) નિર્માણ કરી શકશે. સીલી ગામના ઈસ્‍માઈલ મોહમ્‍મદના પરિવાર દ્વારા 11 હેક્‍ટરથી વધુ જમીન તેમની ઈચ્‍છાથી સરકારને આપી છે.

Related posts

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલાની ઘટનાનેપારડી કોંગ્રેસે વખોડી

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

Leave a Comment