(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટેનો કાર્યક્રમ-સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પુરા થયા છે ત્યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ સ્વાગત સપ્તાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત, વલાસાડ જિલ્લામાં તા.24 એપ્રિલના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ કુલ-608 અરજીઓ નોંધવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં-56 અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓને તા.24 એપ્રિલના રોજ પ્રાંત અધિકારીશ્રી ડી.જે.વસાવા અને મામલતદાર આર.આર.ચૌધરીની ઉપસ્થિતિમાં પારડી તાલુકાસ્વાગતમાં રૂબરૂ સાંભળવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતની 29, ડી.જી.વી.સી.એલ.ની 10, દમણગંગા નહેર(સિંચાઈ વિભાગ)ની 3, મામલતદાર કચેરીની 6, માર્ગ અને મકાન વિભાગની 2, રેંજ ફોરેસ્ટ, એસ.ટી.નિગમ અને ગ્રામ પંચાયત રોહિણાની 1-1 અરજીઓ મળી હતી., 56 અરજીઓમાંથી 39 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. બાકી રહેલી 19 અરજીઓને જિલ્લા સ્વાગતમાં સમાવેશ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા પાણી સંબંધિત, વીજ કનેક્શન, શાળા, આંગણવાડીના મકાનો અંગે, રસ્તા રીપેરીંગ, મનરેગા, લાઇબ્રેરી, સિંચાઈ, વગેરે જેવા વિવિધ પ્રશ્નોની નોંધ લેવામાં આવી હતી.