(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01
ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્ય સભામાં 15મા નાણાંપંચના વર્ષ 2020-21 અને 2021-22ના સાત કરોડ રૂપિયાના આયોજન(બજેટ)ને બહાલી આપવામાં આવી હતી. તાલુકામાં બે અલગ અલગ વિસ્તારમાં ફાયર ફાઈટરની સુવિધા માટે પણ જોગવાઈ કરવામાં આવતા ફાયર ફાઈટરની વર્ષો જુની માંગણી આવનાર ટૂંકા સમયમાં સંતોષાશે.
તાલુકા પંચાયતમાં સભાખંડમાં સામાન્ય સભાપૂર્વે કારોબારી અધ્યક્ષશ્રી ધર્મેશભાઈના અધ્યક્ષ સ્થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ સહિતનાની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ હિસાબોને બહાલી આપવામાં આવી હતી. બાદમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી વૈભવભાઈ બારોટ, મદદનીશ ટીડીઓ શ્રી જીતુભાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ, સભ્યશ્રી રમેશભાઈ, શ્રી નરેન્દ્રભાઈ, શ્રી રાકેશભાઈ, દમયંતિબેન આહીર, ઉપપ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ ગાવિત સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં 15-માં નાણાંપંચના વર્ષ 2020-21 તથા વર્ષ2021-22 ના સાતેક કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોને આયોજનને બહાલી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં વીસેક લાખ રૂપિયાના ખર્ચે તાલુકાના બે અલગ અલગ વિસ્તારમાં ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. તાલુકામાં આગના બનાવમાં બીલીમોરા, ગણદેવી નગરપાલિકા પર મદાર રાખવો પડે છે. જેથી ફાયર ફાઈટરની માંગણી લાંબા વર્ષોથી કરાઈ હતી. જે માંગણી આવનાર ટૂંકા સમયમાં સંતોષાશે. સામાન્ય સભામાં ટીડીઓ હિરેન ચૌહાણે વિવિધ યોજનાઓના આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રમુખ કલ્પનાબેન ગાવિત અને ઉપપ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ ગાવિત આયોજનમાં જરૂરિયાત પ્રાથમિકતા આપવામાં આવી છે. અને બાકી રહી જતા કામો અન્ય યોજનાઓમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/02/samanya-sabha-960x534.jpg)