June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આપણાં ઋષિમુનિઓએ વૈદિક સંસ્‍કૃતિ ચરિતાર્થ કરીને મનુષ્‍યને આદિમાનવમાંથી માનવ બનાવ્‍યા હતાં. ત્‍યારબાદ ત્રેતાયુગમાં શ્રીરામે વૈદિક સંસ્‍કૃતિ અનુસાર મર્યાદાપૂર્વક જીવન જીવીને આ સંસ્‍કૃતિને ફરી ઉજાગર કરી આદર્શ કુટુંબ વ્‍યવસ્‍થા સ્‍થાપિત કરેલ હતી. આપણી ભારતીય મૂળ વૈદિક સંસ્‍કૃતિમાં માનવજીવનને સોળ સંસ્‍કારમય ગણ્‍યું છે. જેમાં વિવાહ સંસ્‍કારને શ્રેષ્‍ઠ સ્‍થાને મૂકીને આપણા ઋષિમુનિઓ અને સંસ્‍કૃતિના જ્‍યોતિર્ધરાએ ધન્‍યો ગૃહસ્‍થાશ્રમઃ કહી એના યશોગાન ગાયા છે. લગ્ન એટલેસ્ત્રી-પુરુષ એમ બે આત્‍માને એકબીજા પ્રત્‍યે લગની લાગવી, એક બીજા પ્રત્‍યે પૂર્ણ સમર્પણ થવું. જીવનભરના અતૂટ બંધનને પવિત્ર અગ્નિની સાક્ષીએ લેવામાં આવેલા સાતફેરા એ જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પરંતુ આજના વર્તમાન સમયમાં દેખા-દેખીમાં ભવ્‍ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નોત્‍સવ ઉજવાય છે જેમાં સામાજિક પ્રતિષ્‍ઠા અને સંપત્તિનું વરવુંપ્રદર્શન થાય છે. લગ્ન પહેલાં ફિલ્‍મી ઢબે પ્રી-વેડિંગના શુટિંગ, લગ્નમાં મોર્ડન પહેરવેશ, આભૂષણો, બેન્‍ડબાજા, નાચગાન, ફટાકડાની આતશબાજી, ભવ્‍ય મંડપ ડેકોરેશન અને જમણવાર, મ્‍યુઝીકલ પાર્ટી, દહેજની પાછળ લાખો-કરોડોનો ધૂમાડો કરવામાં આવે છે. થોડાક કલાકો કે એક દિવસના દેખાડા પાછળ મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે. અણસમજપૂર્વક કરવામાં આવતા આવા દશ લગ્નોમાંથી આઠ લગ્ન થોડા સમયમાં જ તૂટી જાય છે. આવી લગ્ન પ્રણાલીમાં બદલાવ લાવવાની ખાસ તાતી જરૂર છે.
લગ્નનું આયોજન જો સમજદારીપૂર્વક અને સાદગીભર્યું કરવામાં આવે તો ખુશીમાં અનેક ગણો વધારો થાય છે અને બજેટમાં પણ કોઈ ખલેલ પડતી નથી. જેની શરૂઆત રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામથી થયેલી જોવા મળે છે. શ્રીરામે પ્રબોધેલી મૂળ વૈદિક સંસ્‍કૃતિ ફરીથી ઉજાગર થાય તે માટે આ ધામના સંસ્‍થાપક શ્રી મહાપાત્ર વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્‍સવ ઉજવીને સમાજને સાચો રાહ બતાવવા અથાગ પુરુષાર્થ કરી રહ્યા છે. ત્રેતાયુગમાં શ્રીરામ અને સીતાજીના જે વૈદિક પરંપરા અનુસાર લગ્ન થયેલા હતાં એ જ રીતિરીવાજ અનુસાર હાલમાં આ ધામમાં લગ્નવિધિથીઅનેક નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા હતાં. આ લગ્નમાં નવદંપતિ મહાન ધ્‍યેય સાથે જીવનભર વિશ્વાસ, પ્રેમ, સમજણની સાથે આગળ વધવાનું વચન આપીને પોતાના ગૃહસ્‍થ જીવનનો પ્રારંભ કરે છે. લગ્ન એક સમસ્‍યા નહીં પરંતુ સાધના ગાણીને આગળ વધે છે. શ્રી મહાપાત્ર કહે છે કે સાંસારિક જીવન એ જ સર્વશ્રેષ્‍ઠ જીવન છે. પતિ-પત્‍ની બંને એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપે, હિંમતથી દરેક પરિસ્‍થિતિનો સામનો કરે અને એવો કઠિન સમયે આવે ત્‍યારે સહનશીલતા રાખે તો ગમે તેવા સંઘર્ષમાંથી પસાર થઈ શકે છે.
સમજણપૂર્વકના આ લગ્નોત્‍સવની ખાસ વાત એ છે કે વર-કન્‍યા સપ્તપદીના સાત ફેરા લઈને પરસ્‍પર એક બીજા સાથે સાત વચનોથી બંધાય છે. તેમજ પોતાના જીવાત્‍માના ઉધ્‍ધાર માટે મહત્ત્વના (1) માતા-પિતા, વડીલોનું માન સન્‍માન જાળવવું (2) માં-શક્‍તિની આરાધના કરવી (3) સનાતન વૈદિક સંસ્‍કૃતિ અનુસાર જીવન જીવવું (4) પ્રકૃતિ, પર્યાવરણનું રક્ષણ કરવું તેમજ (5) ગાયમાતાનું પાલન-પોષણ કરવું, એવા પાંચ ઋણબંધનોમાંથી મુક્‍તિ મેળવવા માટે એમ કટિબધ્‍ધ પણ બને છે.
સમજણપૂર્વકના આવા સફળ લગ્નજીવનમાંથી પ્રેરણા લઈને અનેક નવદંપતી આ પ્રણાલી મુજબ પ્રભુતામાં પગલાં માંડી આગળ વધી રહ્યાં છે.

Related posts

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

Leave a Comment