પરિણિતા ભૂમિકાબેન ચાવડાએ પતિ મયુર ભરતભાઈ ચાવડા સહિત સસરા-સાસુ અને નણંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: સમાજમાં દહેજનો દૈત્ય હજુ પણ પ્રવર્તમાન છે તેવી દહેજ માંગણીનો વધુ એક બનાવ વાપીમાં બન્યો છે. વાપીની પરિણિતાએ સુરત અડાજણમાં રહેતાપતિ સહિત સાસરીયા વિરૂધ્ધ દહેજ અંગે વાપીમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી હરીયા હોસ્પિટલ નજીક રહેતા ભૂમિકાબેન ચાવડાના લગ્ન સુરત અડાજણમાં રહેતા મયુર ભરતભાઈ ચાવડા સાથે ગત તા.5 ફેબ્રુઆરી 2022માં થયા હતા. પિતાએ પૂત્રીને જરૂરી તમામ કરિયાવર આપી વિદાય કરી હતી પરંતુ લાલચુ સાસરીયાઓનું પોત થોડાક સમયમાં પ્રકાશી ગયું હતું. સાસુ-નણંદ, સસરા વગેરે મહેણાટોણા મારીને ભૂમિકાબેનને માનસિક ત્રાસ આપતા રહેલા. ભૂમિકાબેન નોકરી કરતા હતા. તેના પણ ઘરવાળા મહેણા મારતા કે પત્ની રસોડા ઘરમાં શોભે. અંતે સહન ના થતા ભૂમિકાબેન વાપી પિયરમાં આવી હતી. કંકાસમાં પતિએ 10 લાખ સુધીના દહેજની માંગ વારંવાર કરતો રહેતો હતો તેથી ભૂમિકાબેન વાપી પોલીસમાં પતિ મયુર ભરતભાઈ ચાવડા, સસરા ભરતભાઈ ગોવિંદભાઈ ચાવડા, સાસુ મધુબેન ચાવડા, નણંદ અરૂણા ચાવડા તથા મીના રાકેશ છાયા સામે દહેજ માંગણી અંગે સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.