(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશન દ્વારા મોન્ટેનેગ્રો ખાતે આયોજીત પ્રતિષ્ઠિત યુથ બોક્સિંગ કપ-2024 માટે ભારતીય બોક્સિંગ ટીમના યોજાયેલા સિલેક્શન ટ્રાયલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્સર શ્રી સુમીતેશાનદાર પ્રદર્શન કરી 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ભારતીય યુથ બોક્સિંગ ટીમમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું.
મોન્ટેનેગ્રો ખાતે આયોજીત ‘યુથ વર્લ્ડ બોક્સિંગ કપ-2024’માં સંઘપ્રદેશના બોક્સર શ્રી સુમીતે 63-67 કિલોગ્રામ વજનની શ્રેણીની વ્યક્તિગત સ્પર્ધામાં શાનદાર રમતનું પ્રદર્શન કરી પ્રથમ બાઉટમાં ઓસ્ટ્રિયાના બોક્સરને 4-1ના સ્કોરથી પરાજીત કર્યો હતો. જ્યારે બીજા બાઉટમાં પોલેન્ડના બોક્સરને 5-0ના સ્કોરથી હરાવી પોતાની જગ્યા ક્વાર્ટર ફાઈનલ માટે પાકી કરી લીધી હતી. ક્વાર્ટર ફાઈનલમાં સુમીતનો મુકાબલો સર્બિયાના બોક્સર સાથે થયો હતો. જેમાં સુમીતે આક્રમક રમતનું ઉત્તમ પ્રદર્શન કરતાં સર્બિયાના બોક્સરને 5-0થી હરાવ્યો હતો. સેમિફાઇનલ મેચમાં સુમિતનો કઝાકિસ્તાનના બોક્સર સાથે જોરદાર મુકાબલો થયો હતો.
આ કપરા મુકાબલામાં સુમિતને 2-3ના સ્કોરથી હારનો સામનો કરવો પડયો હતો અને તેને બ્રોન્ઝ મેડલ સ્વીકારવો પડયો હતો. સુમિતના કોચ શ્રી વિજય કુમારે જણાવ્યું હતું કે સુમીતે સેમી ફાઈનલ મેચમાં ખૂબ જ આક્રમક રમત દર્શાવી હતી પરંતુ આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી અને અનુભવના અભાવને કારણે તેણે બ્રોન્ઝ મેડલથી જ સમાધાન કરવું પડયું હતું પરંતુ મને ખાતરી છે કે સુમિતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશેઅને તે ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે.
સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના સચિવ ડૉ. અરૂણ ટી., નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા અને રમત-ગમત અધિકારી શ્રી અક્ષય કોટલવાર તથા શ્રી દેવરાજ સિંહ રાઠોડે શ્રી સુમીતને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.