માજી ભાજપ ઉપપ્રમુખ અને પારડી નગરપાલિકા માજી કોર્પોરેટર સમય સૂચકતા વાપરી બંને કારમાંથી ઉતરી જતા ચમત્કારિક બચાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી શહેરમાં સ્વાતિ કોલોની ખાતે રહેતા મૂળ.ખેરલાવના માજી ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગુલાબ પટેલ તેમના મિત્ર ચંદ્રપૂર ખાતે રહેતા અને માજી કોર્પોરેટર એવા બળવંતભાઈ રામદાસભાઈ માંગેલા સાથે એમની માલિકીની ફોર્ડ ફિગો કાર નંબર જીજે-15-સીડી-7209 લઈ શુક્રવારના રોજ કામ અર્થે વાપી ગયા હતા અને દોઢેક વાગ્યે પરત પારડી ફરી રહ્યા હતા. આ દરમ્યાન બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજ પાસે અચાનક કારમાં એંજિનના ભાગે ધુમાડો નજરે આવતા કાર રોકી ગોવિંદભાઈ અને બળવંતભાઈ નીચે ઉતરી કઈ કરે તે પહેલા કારમાં આગ લાગી ગઈ હતી. આ અંગેની જાણ બગવાડા ટોલ બૂથ પર થતાં કર્મચારીઓ ફાયર સિલિન્ડર લઈ દોડી ગયા હતા. પરંતુ કારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ બાબતની જાણ વાપી ફાયરની ટીમને થતાં દોડી આવી પાણી મારો કર્યો હતો. આ ઘટનાને પગલે સુરત તરફના વાહનો થોડા સમય માટે અટકી પડ્યા હતા. કારની આગ બુઝાયાબાદ ફરી વાહનવ્યવહાર શરૂ થયા હતા.