Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

ભૂતકાળમાં સંઘપ્રદેશ પ્રશાસનનો વહીવટ સાંસદ કે અન્‍ય ચાર-પાંચ પ્રભાવશાળી નેતાઓ, લેન્‍ડમાફિયાઓ, લીકરમાફિયાઓના ઈશારે ચાલતો હતો અને પોલીસ તંત્ર પણ તેમના ઈશારે જ કામ કરી મોટાભાગની એફ.આઈ.આર. નેતાના ફાર્મ હાઉસ ઉપર જ લખાતી હતી તેનું પુનરાવર્તન હવે લગભગ અસંભવ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વરસોથી ચાલતી ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર અંકુશ લગાવવા સંઘપ્રદેશ પ્રશાસનને છેલ્‍લા સાત-સાડા સાત વર્ષમાં ધારી સફળતા મળી છે. જેની પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો કાબેલ વહીવટ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એકાદ વર્ષ પણ પૂર્ણ નહીં કર્યું હતું અને દાદરા નગર હવેલી દમણ-દીવમાં સંઘપ્રદેશના પ્રશાસક પદેથી શ્રી પ્રફુલભાઈ પટેલ જઈ રહ્યા હોવાની અફવા અને વાતો શરૂ થઈ હતી. જે લગાતાર આજપર્યંત ચાલુ છે.
સંઘપ્રદેશના પ્રશાસકને નિયુક્‍ત કરવાનો અબાધિત અધિકાર ભારત સરકારનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દાદરાનગર હવેલી અને દમણ-દીવના ચહેરા અને ચરિત્રથી પણ પરિચિત છે. તેથી તેમણે હંમેશા પ્રદેશના હિતને ધ્‍યાનમાં રાખીને જ યોગ્‍ય નિર્ણય લીધા છે તેમાં કોઈ સંદેહ નથી. પ્રધાનમંત્રીશ્રીએજ પ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્‍તિ કરી હતી અને તેમના એજન્‍ડા પ્રમાણે જ પ્રશાસકશ્રીએ અત્‍યાર સુધી કામ કરી ‘વિકસિત ભારત’ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવને પણ જોડી રહ્યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવને ‘વિકસિત ભારત’ સાથે જોડવા સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે સૌથી પહેલાં ભરતી, બઢતી અને બદલીમાં ચાલતા ભ્રષ્‍ટાચાર ઉપર રોક લગાવી સચિવાલયમાં પેધા પડેલા દલાલોને તગેડવામાં જરા પણ પાછીપાની કરી નથી. જેના કારણે જ પ્રદેશમાં કાયદાનું રાજ શક્‍ય બન્‍યું છે.
ભૂતકાળમાં પ્રદેશનો વહીવટ સાંસદશ્રી કે અન્‍ય ચાર-પાંચ પ્રભાવશાળી નેતાઓ, લેન્‍ડમાફિયાઓ, લીકરમાફિયાઓના ઈશારે ચાલતો હતો. પ્રદેશનું પોલીસ તંત્ર પણ તેમના ઈશારે જ કામ કરતું હતું. મોટાભાગની એફ.આઈ.આર. નેતાના ફાર્મ હાઉસ ઉપર લખાતી હતી અને પોતાના રાજકીય વિરોધીઓને પરેશાન કરાતા હતા. સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આ તમામ પ્રકારની તરકટલીલા નેસ્‍તનાબૂદ થઈ શકી છે અને પહેલી વખત પ્રદેશના લોકોનેકાયદાના રાજનો અહેસાસ થયો છે.
ભૂતકાળમાં દમણ-દીવ કરતા દાદરા નગર હવેલીની સ્‍થિતિ ખુબ જ ખરાબ અને ભયાનક હતી. માર્કેટમાં શાકભાજી કે ફ્રૂટ વેચનારાઓ પાસે નેતાના માણસો દ્વારા હપ્તાની વસૂલી થવા સાથે હોટલ-રેસ્‍ટોરન્‍ટમાં ખાધા-પીધા બાદ તેનું બિલ નહીં ચુકવવાની આદત હતી. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આ તમામ પ્રકારની બદીઓ ઉપર અંકુશ આવી શક્‍યો છે.
અત્રે યાદ રહે કે, પ્રદેશના બદલાયેલા રાજકીય સમીકરણો વચ્‍ચે કેટલાક તત્ત્વો એવું માનતા હશે કે હવે ફરી અમારું રાજ આવશે અને અમે જે ધારીશું તે કરીશું એ તેમનો ભ્રમ રહેશે, કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આ પ્રકારની રાજનીતિને પ્રોત્‍સાહન આપતા નથી અને કાયદા વિરૂદ્ધની કોઈપણ પ્રવૃત્તિને તેઓ બર્દાસ્‍ત પણ કરતા નથી. તેથી પ્રદેશના લોકો પણ કોઈપણ પ્રકારનો ભય રાખ્‍યા વગર 2047માં ‘વિકસિત ભારત’ના સ્‍વપ્‍નને સાકાર કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા સંકલ્‍પબધ્‍ધ છે.

એકસ્‍ટ્રા કોમેન્‍ટ

દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરના નામની ઘોષણા થતાં હવે ડેલકર જૂથના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પક્ષના નીતિ-નિયમો મુજબ કામ કરી અનુશાસનમાં રહેવુંપડશે. હવે શિવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ હોવાનો ભ્રમ પણ શ્રી અભિનવ ડેલકરે દૂર કરવો પડશે અને ભાજપના સંનિષ્‍ઠ કાર્યકર તરીકે પક્ષના આદેશનું સન્‍માન પણ કરવું પડશે.

Related posts

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

Leave a Comment