(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના વંકાલ ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અંબિકા સબ ડિવિઝનમાં લેખિત રજૂઆત કરી ગામના વાણિયા તળાવમાં પાણી ભરવાની માંગ કરવામાં આવી હતી.
વંકાલ ગામના સ્થાનિક અગ્રણી દીપકભાઈ સોલંકી, પૂર્વ સરપંચ વાંસતીબેન પટેલ, પૂર્વ સરપંચ દીપકભાઈ પટેલ સહિતનાની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા અંબિકા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ગામના વાણિયા તળાવ ફળીયામાં આવેલ તળાવમાં હાલે પાણી તળિયે જતા રહેતા તળાવ સુકાઈ જવાના આરે છે. જેને પગલે આસપાસના બોરવેલોમાં પણ પાણીના સ્તર નીચે જતા રહ્યા છે. જેને લઈને પશુધનને પણ પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. આ ઉપરાંત તળાવની ફરતે લાખો રૂપિયાના ખર્ચે સાતેક જેટલા ઓવારાઓનું પણ નિર્માણકરવામાં આવેલ છે. પરંતુ તળાવમાં પાણી તળિયે જતા રહેતા સ્થાનિકો કપડાં પણ ધોઈ શકતા નથી અને ઓવારાઓ નકામા બનવા પામેલ છે.
વધુમાં વાણિયા તળાવમાં નહેર મારફતે પાણી ભરવા માટે અગાઉ પણ સ્થાનિક આગેવાન દીપકભાઈ સોલંકી દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. હાલે પાણી તળિયે જતા રહેતા અને તળાવ સુકાઈ જવાના આરે પહોંચતા અમારા વિસ્તારમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થવા પામી છે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં લઈ અમારા વિસ્તારની નહેરની સપાટી કોન્ક્રીટની પાકી બનાવવામાં આવે અને હાલેએ નહેર મારફતે તળાવમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.