સેન્ટીંગના કામના પૈસા ન આપતા 1995 માં મુંબઈમાં શેઠની હત્યા કરી ભાગી છૂટી આસમા ખાતે રહેતો હતો આરોપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.02: કહેવાય છે પાપ જ્યારે છાપરે ચડી પોકારે છે ત્યારે કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે છે. આવો જ કંઈક કિસ્સો પારડી તાલુકાના આસમા ખત્રીવાડ ખાતેરહેતા હરીશભાઈ બાબુભાઈ નાયકા પટેલ સાથે બનવા પામ્યો છે.
હરીશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આસમા ખાતે રહી સેન્ટીંગનું કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગામમાં એમનો કોઈ સાથે ઝઘડો વગેરે ન હોય એક સારા વ્યક્તિત્વ વાળા વ્યક્તિ તરીકે તેઓ જીવન પ્રસાર કરતા હતા પરંતુ આ સારા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિનો ભૂતકાળ એક ગુનેગાર તરીકે નોંધાયેલો હતો.
1995 માં મોહનભાઈ નામના વ્યક્તિએ ગુજરાતના ગામડાઓમાંથી મુંબઈના પાલઘર જિલ્લાના સફાલા ખાતે બની રહેલ બિલ્ડીંગોમાં સેન્ટીંગનું કામ કરાવવા ઘણા માણસોને લઈ ગયો હતો. મોહનભાઈએ કામ કરાવ્યા બાદ આ મજૂરોને કામના પૈસા ન આપતા હરીશભાઈ અને મોહનભાઈ વચ્ચે ઝઘડો થતાં સૌ પ્રથમ મોહનભાઈના હસ્તે માથામાં મારવાથી ઈજાગ્રસ્ત થયેલ હરીશભાઈએ સામેથી મોહનભાઈને માર મારતા મોહનભાઈ પણ ઈજાગ્રસ્ત બનતા મોહનભાઈનું મૃત્યુ થયું હતું અને 1995 માં આજથી 28 વર્ષ પહેલાં હરીશભાઈને મોહનભાઈના મર્ડરના ગુનામાં સજા થતાં સફાલા ખાતે તેઓ જેલમાં સજા કાપી આપી રહ્યા હતા.
પરંતુ જેલના પોલીસ જાપ્તામાંથી તેઓ ભાગી છૂટી ગુજરાતમાં આવી પારડીના આસમા ખત્રીવાડ ખાતે રહી અહીં પણ પોતાનું જૂનું સેન્ટીંગનું કામ કરી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.
પરંતુકાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ ડાયલોગને સાચા અર્થમાં લઈ પારડી પોલીસના પી.આઈ. જી.આર.ગઢવી અને પારડી પોલીસની ટીમના એ પેટ્રોલિંગ દરમિયાન 28 વર્ષથી મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આ ગુનેગારને ઝડપી મુંબઈ પોલીસને સુપ્રત કરી પારડી પોલીસે એક કામગીરી નિભાવી હતી.