(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લાની લોકસભાની ચૂંટણી પ્રચાર સાથે ભાજપ-કોંગ્રેસની રેલીઓ, ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની રાજકારણી મોસમ જિલ્લામાં પુરબહારમાં ખીલી ઉઠી છે. તે મધ્યે આજે મંગળવારે વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર શ્રી અનંતભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટર કચેરી વલસાડમાં ભર્યું હતું.
જય ભવાની ભાજપ જવાનીના બુલંદ જય ઘોષ સાથે વલસાડ શહેરમાં અનંત પટેલના સેંકડો સમર્થકો સાથે રેલી કાઢી હતી. બેન્ડવાજા અને આદિવાસી નૃત્યની ઝાંખી સાથે નિકળેલી રેલી કલેક્ટર કચેરી વલસાડ પહોંચી હતી. રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, આગેવાનો, પક્ષના હોદ્દેદારો જોડાયા હતા. વલસાડ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ- ભાજપ વચ્ચે સીધો મરણીયો જંગ છે. તેમજ પ્રતિષ્ઠાની બેઠક બની ચૂકી છે. ગામેગામ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રેલીઓ ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ યોજી રહ્યા છે. કારણ એટલું જ છે કે આ બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બને તેથી બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનુંજોર લગાવી રહ્યા છે. 7મી મેના રોજ મતદાનના દિવસે મતદારો મતદાન કરી પોતાનો ફેંસલો ઈવીએમમાં કેદ કરશે. જેનો ચુકાદો 4 જૂનના રોજ આવી જશે.