નોંધાયેલ અંદાજીત 500 સભ્યો પૈકી 122 સભ્યો ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી ગ્રીન એન્વાયરોની વાર્ષિક સભા જ્ઞાનધામ સ્કૂલમાં યોજાઈ હતી. જેમાં કંપનીના વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા. કંપની વર્ષ 2023-24માં રૂા.14.78 કરોડનો નફો જાહેર કર્યો હતો. મિટિંગમાં વલસાડ જિલ્લા કલેક્ટર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉદ્યોગકાર મેમ્બર જોડાયા હતા.
વાપી ગ્રીન એન્વાયરો લી. કંપની ચેરમેન, જી.આઈ.ડી.સી. વી.સી.એમ.ડી. રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં યોજાયેલ એ.જી.એમ.માં નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું. કંપનીના નોંધાયેલા અંદાજીત 500 સભ્યો પૈકી 122 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હિસાબ કિતાબમાં કોઈએ રસ દાખવ્યો નહોતો. કંપનીએ 2022-23માં રૂા.8.37 કરોડનો નફોનોંધાવ્યો હતો. જેની સામે 2023-24માં રૂા.14.78 કરોડનો નફો નોંધાવ્યો છે તેમજ 130 કરોડની ફીક્સ ડીપોઝીટ કંપની ધરાવે છે ત્યારે ટ્રીટમેન્ટ ચાર્જિસમાં ઘટાડો કરી મંદીમાં રાહત આપવામાં આવે તેવો ગણગણાટ સભ્યોમાં જોવા મળ્યો હતો. મિટિંગમાં કંપનીના પત્ર વહેવાર, વાર્ષિક અહેવાલ, નોટિસ સહિતના દસ્તાવેજો ઈ-મેઈલ મારફતે કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. મિટિંગમાં જિલ્લા કલેક્ટરે આગામી તા.2 ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણીમાં ઔદ્યોગિક એકમોમાં સફાઈ અભિયાન કરવાની જાહેર અપીલ કરી હતી. તેની વિડીયોગ્રાફી કલેક્ટર સુધી પહોંચાડવાની રહેશે. જો કે નિરસતા ભરેલા વાતાવરણ વચ્ચે મિટિંગ સમાપ્ત થઈ હતી.