વૈભવ નાયકાએ જીજ્ઞા રાઠોડ સાથે ડિસેમ્બરમાં કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ અબ્રામાની એક ચાલીમાં પ્રેમ લગ્ન કરી પતિ-પિયરમાં પત્ની સાથે રહેતો હતો. માત્ર ચાર મહિનામાં જ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા માટે ઝઘડો થતા પતિએ ક્રૂરતા પૂર્વક પત્નીનું ઘરમાં જ ઢીમ ઢાળી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
વલસાડ અબ્રામામાં રહેતા અનિલ કિશનભાઈ રાઠોડ બે પૂત્રી અને પરિવાર સાથે મજુરી કામ કરી ગુજરાન ચલાવી રહે છે. મોટી પૂત્રી 22 વર્ષિય જીજ્ઞાએ વૈભવ સુરેશભાઈ નાયકા સાથે પ્રેમ સબંધ બંધાતા ગત તા.14 ડિસેમ્બરે કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. વૈભવના પ્રેમ લગ્ન માતા-પિતાએ ના સ્વિકારતા તે પત્ની સાથે પિયરમાં રહેતો હતો. લગ્ન જીવનના માત્ર ચાર માસમાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. વૈભવ છૂટાછેડા લેવા માટે જીજ્ઞા પાસે મેરેજ સર્ટી માંગતો રહેલો. ગતરોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઘરમાં જીજ્ઞા અને પતિ વૈભવ હતો. માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે પતિ વૈભવે જીજ્ઞાનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. લોકો એકઠા થઈગયા, પિતા કામ પરથી આવેલા તો જીજ્ઞા પલંગમાં પડેલી જોઈ બાદમાં 108 દ્વારા સારવારમાં ખસેડાયેલ પણ તબીબોએ મૃત જાહેર કરી હતી. પિતાની ફરિયાદ બાદ પોલીસે પતિ વૈભવની ધરપકડ કરી લીધી હતી.