- નાની દમણના કોળી પટેલ સમાજ હોલ ખાતે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા ઉપર યોજાયો કાર્યક્રમ
-
દમણ-દીવના થયેલા ઐતિહાસિક વિકાસ બદલ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનનો પ્રગટ કરેલો આભાર
-
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતમ 9 વર્ષ પૂર્ણ થવા ઉપર આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નાની દમણના કોળી પટેલ સમાજ હોલ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રી શ્રી નારાયણ રાણે રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી રહ્યા છે તેના કારણે દેશ અને વિદેશમાં ભારતના લોકો અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામને માન અને સન્માન મળી રહ્યું છે. રાષ્ટ્ર પ્રથમની ભાવનાને કેન્દ્રમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 16 થી 18 કલાક કામ કરી રહ્યા છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સમગ્રદેશ આગળ વધી રહ્યો છે.
કેન્દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેએ વિશ્વાસ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, આજે ભારે વરસાદમાં પણ ઉમટેલી જનમેદની બતાવે છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દમણ-દીવમાં ઉદ્યોગો કેવી રીતે આગળ વધે તે વિચારવાનું છે. ઉદ્યોગ વધશે તો રોજગાર વધશે. દેશનું અર્થતંત્ર ઔર વધુ મજબૂત થશે અને આવતા દિવસોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ઈકોનોમીનો સંકલ્પ પણ પૂરો થશે. વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત આગળ વધી રહ્યો છે. શ્રી નારાયણ રાણેને વધુમાં જણાવ્યું હતું કે, હું દમણ ફરી આવીશ અને સાથે મારા અધિકારીઓને લઈ આવીશ. દમણ-દીવમાં ઉદ્યોગો અને એમએસએમઈને કેવી રીતે ઉત્તેજન મળે તે સુનિヘતિ કરીશું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશમાં શિક્ષણ, સુરક્ષા અને આરોગ્ય ઉપર પણ ધ્યાન રાખ્યું છે. અદ્યતન પ્રવાસન ઈન્ફ્રસ્ટ્રક્ચરનો વિકાસ અહીં થયો છે. આજે આ સભામાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ના આપણને દર્શન થઈ રહ્યા છે. સર્વ સમાજની જનતાએ આજે સ્વયંભૂ ઉપસ્થિત રહી મોદીજીની સાથે ઉભા હોવાનો એક સશક્ત સંદેશ પણઆપ્યો છે.
આ કાર્યક્રમમાં પ્રારંભમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દમણ-દીવમાં થયેલા વિકાસ કામોની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી અને તેમણે પ્રશાસન અને મોદી સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પ્રદેશના વિવિધ મોર્ચાના અધ્યક્ષોમાં શ્રી શૌકતભાઈ મીઠાણી, શ્રી હરિશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, દીવ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન સોલંકી, દીવ જિ.પં.ના અધ્યક્ષ શ્રી રામજીભાઈ બામણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી બિપિનભાઈ શાહ, શ્રીમતી સિમ્પલબેન કાટેલા, શ્રી બાબુ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ પ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણીએ આટોપી હતી.
Previous post