છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન થાય છે,
આ વર્ષે 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપીની જાણીતી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રકારના સ્ટોલ કાર્યરત કરાયા હતા.
દક્ષિણ ગુજરાતની જાણીતી એવી રોફેલ એમ.બી.એ. કોલેજમાં વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે બાજીગર બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહી એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં તેઓ ઉદ્યોગ સાહસિક બને, વેપારના ગુણે કેળવાય તેવા હેતુલક્ષીથી એમ.બી.એ કોલેજ પરિસરમાં બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લઈને ફેરને સફળ બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત કરાયેલા સ્ટોલ વચ્ચે સ્પર્ધા પણ હતી. ત્રણ જજીસ પેનલ દ્વારા જજ કરીને ત્રણ સ્ટોલ ગૃપને વિજેતા જાહેર કરીને ઈનામ આપવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા છેલ્લા 17 વર્ષથી બિઝનેસ બાજીગર ફેરનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન કોલેજના ડીન ડો.કેદાર શુકલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.