વલસાડમાં પૂર્વ પાલિકા પ્રમુખ રાજુ મરચા આવેદનપત્ર
પાઠવી આંદોલન ચલાવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: ગુજરાત રાજ્ય સહિત દેશભર ભારત સરકાર દ્વારા વિજ વપરાશ અંગે પી.એસ.એમ. એટલે કે પ્રિપેઈડ સ્માર્ટ મીટરની યોજના લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં સુરત, વડોદરા અને જામનગર વિસ્તારમાં પી.એસ.એમ.ની કામગીરી શરૂ કરી દેવાની છે. જેના પ્રત્યાઘાત રૂપે ઠેર ઠેર વિરોધનો વંટોળ પણ ઉભરી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પ્રિપેઈડ સ્માર્ટ મીટરનો વિરોધનો સુર ઉભો થયો છે. પૂર્વ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા અને અગ્રણીઓ દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવી આંદોલન શરૂ કરવાના અણસાર આજે સાંપડયા છે.
જી.ઈ.બી. પ્રિપેઈડ સ્માર્ટ મીટરની યોજના મોબાઈલ રીચાર્જ જેવી યોજના છે. જેટલું રીચાર્જ કરાવશો એટલો વિજ વપરાશ કરવા મળશે. મીનીમમ 100 રૂા.નું રિચાર્જ કરી શકાશે. આ નવી સ્કીમ પ્રિપેઈડ સ્માર્ટ મીટરનો રાજુભાઈએ સખ્ત વિરોધ કર્યો છે. આી સિસ્ટમ જે તે એજન્સીઓ ઓપરેટ કરનાર છે. તેમાં ગેરરીતી સંભવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાના ગરીબ માણસને વિજબીલ ભરવા માટે 10 દિવસની મુદત મળે છે. હવે રીચાર્જ પુરુ થઈ ગયું હોય અને પૈસાના ભરાય તો લાઈટ બંધ થઈ જશે. આ સ્થિતિનો સામનો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કરવો પડશે. તેથી અમે બે દિવસમાંકલેક્ટરશ્રીને પ્રિપેઈડ સ્માર્ટ મીટર સ્કીમનો વિરોધ કરવા આવેદનપત્ર આપવાના છીએ તેમજ જરૂર પડશે તો આંદોલન કરીશું. સુરતમાં હાલમાં સ્માર્ટ મીટરનો લોકો વિરોધ કરી રહ્યા છે. બીજુ સ્માર્ટ મીટર માટે ઘણું બધું કન્ફયુઝન ઉભુ થશે તેનું શું?