(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.30: શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા તારીખ 29 સપ્ટેબર રવિવારે સવારે 10.30 કલાકે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન પુસ્તકાલયના સભાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. આ સભામાં 43સભ્યો હાજર રહ્યા જેમાં સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, પ્રોજેક્ટ કન્વીનર્સ, દાતાશ્રીઓ તથા પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા. સહમંત્રી સ્વાતિબેન પરીખ દ્વારા ગત વાર્ષિક સામાન્ય સભાની મિનિટસનું વાંચન કરવામાં આવ્યું. ત્યારબાદ લાયબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ દ્વારા ઓડિટ થયેલ હિસાબ રજૂ થયો, જેને સભાએ સર્વાનુમત્તે મંજૂર કર્યો. સહ મંત્રી નિશાબેન લાખાણી દ્વારા આખા વર્ષની પ્રવૃત્તિઓના અહેવાલનું વાંચન તથા નવા પ્રોજેક્ટ ‘‘પર્યાવરણ પ્રહરીઃ નંદનવન નવસારી” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોષાધ્યક્ષ તથા ‘‘યુવા વાર્તાલાપ”ના પ્રોજેક્ટ કન્વીનર દીપકભાઈ પરીખ દ્વારા ઓફિસ તથા સ્ટાફ અંગેની અને ‘‘યુવા વાર્તાલાપ” પ્રોજેક્ટ વિશેની માહિતી આપવામાં આવી. ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાએ લાયબ્રેરીમાં ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓ તેમજ સૌએ ઉમળકાભેર આવકારેલ પર્યાવરણલક્ષી પ્રોજેક્ટની સરાહના કરી હતી. હાજર જિજ્ઞાસુ સભ્યોએ પ્રતિભાવ, સૂચન પણ રજૂ કર્યાં હતાં. સાતમી વખત રાજ્યની શ્રેષ્ઠ લાયબ્રેરીનો એવોર્ડ સયાજી વૈભવને મળ્યો એ ખુશી બદલ સંસ્થા તરફથી કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સભાને અંતે સૌ માટે પ્રીતિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું.
