ખેડૂતે વિદેશથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી દિલ આકારની
કેરીઓનું ઉત્પાદન કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લો કેરીની વાડીઓનો પ્રદેશ. જિલ્લામાં 37 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીની વાડીઓ પથરાયેલા છે. અત્યાર સુધી સામાન્ય આકારની કેરીઓ જોવા મળતી હતી પરંતુ આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો સહેજે નવાઈ ન પામતા. ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે તેમની વાડીમાં દિલ આકારની હુબહુ કેરીનું ઉત્પાદન કર્યું છે.
ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે આ વખતે મોલ્ડમાં ડિઝાઈનર મેંગોનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. વિદેશથી સ્પેશ્યલ મોલ્ડ મંગાવીને દિલ આકારની કેરી ઉત્પાદન કરવાનો પ્રયોગ કર્યો છે. જો સફળતા મળશે તો આગામી સમયે મોટાપ્રમાણમાં ડિઝાઈનર મેંગો જોવા મળશે. આ જોઈને અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે. આથી બીજો ફાયદો ખેડૂતોને એ થશે કે સામાન્ય કેરી કરતા ડિઝાઈનર કેરીનો ભાવ સરખામણીમાં વધુ મળશે. હાલ આજુબાજુના ખેડૂતો ડિઝાઈનર કેરીની વાડીની મુલાકાત લઈ રહ્યા છે. કેરી નાની હોય ત્યારે ડિઝાઈન મોલ્ડ લગાવી દેવામાં આવે છે. બાદમાં કેરી મોલ્ડનો આકાર હોય તેવો આકાર કુદરતી રીતે જ ધારણ કરતી હોય છે. જેમાં ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા મેળવી છે. તેથી આગામી સમયે દિલ આકારની નવિનતમ કેરી તમને બજારમાં જોવા મળવાની છે.