(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સીલી ગામ ખાતે આવેલી એસ્ટ્રીક્સ કેમિકલ કંપની છેલ્લા કેટલાક સમયથી પાવર કટ હોવા છતાં પણ ડીઝલ જનરેટર દ્વારા ચલાવવામાં આવી રહી હતી. જેમાં રોજીંદા કેમિકલ ભરેલા ટેન્કરોની અવર-જવર રહેતી હતી. આ કંપની દાનહ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ બાદ પોલ્યુશન વિભાગ અને મામલતદારની ટીમ પહોંચી કંપનીને સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સીલી ગામ ખાતે આવેલી એસ્ટ્રીક્સ નામની કંપની છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સ્થિત તેમના કાર્યાલય દ્વારા ચલાવવામાં આવી રહી હતી. કેટલાક મહિના પહેલાં આ કંપનીનો સંઘપ્રદેશ પાવર ડિસ્ટ્રીબ્યુશન પાવર કટ કરી દેવામાંઆવ્યો હતો. ત્યારપછી પણ ડીઝલ જનરેટરના માધ્યમથી સચિન નામના વ્યક્તિની દેખરેખમાં આ કંપની ચાલુ રાખવામાં આવી હતી. જેમાં કેટલાક ટેન્કરોની અવર-જવર પણ ચાલુ જ હતી. આ કંપનીમાં સચિનની દેખરેખમાં કેટલાક કર્મચારીઓ પણ કામ કરી રહ્યા હતા અને ટ્રાન્સપોર્ટના વાહનોની અવર જવર પણ ચાલુ હતી. આ ટેન્કરોમાં કેમિકલ આવતુ હતું જેને નાના ડ્રમ(પીપડા)માં ભરીને અન્ય સ્થળોએ ટ્રાન્સફર કરવામાં આવતું હતું.
દાનહ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી આ કંપનીમાં સંઘપ્રદેશના પોલ્યુશન કંટ્રોલ વિભાગ અને મામલતદારની ટીમે રેડ પાડી હતી, બાદમાં એ કંપનીને સીલ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ કંપનીમાં આવતુ કેમિકલ ખુબ જ ખતરનાક અને હેઝાર્ડમાં આવે છે. આ કંપનીનો એસ્ટેરીક્ષ રેઇનફોર્સ લિમિટેડ નામનો એક પ્લાન્ટ મહારાષ્ટ્રમાં પણ હતો જેને મહારાષ્ટ્ર સરકારે પણ કેટલાક મહિના પહેલા સીલ કરી દીધો હતો.
હવે દાનહના સીલી ખાતેની આ એસ્ટ્રીક્સ નામની કંપનીને કલેક્ટરશ્રીના આદેશથી સીલ મારી દીધી છે, પરંતુ તે કયા કારણોસર સીલ મારવામાં આવી તે ફોડ પ્રશાસન દ્વારા પાડવામાં આવ્યો નથી.