બળવંત પંડીત ઘરની બહાર બેઠો હતો ત્યારે જુની અદાવતમાં વિકાસ સોલંકીએ ઘર સામે જ ઘાતકી હુમલો કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વલસાડ શહિદ ચોક નજીક નવા હરિજનવાસમાં શનિવારે મોડી રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર જુની અદાવતમાં અન્ય યુવાને ધસી આવી બોથડ પદાર્થ વડે ઘાતકી હુમલો કર્યો હતો. ઘાયલ યુવાનને સારવારમાં ખસેડયો હતો. રાતે ઘટેલી ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વલસાડના ઘાતકી હુમલાની વિગતો મુજબ શહીદચોક નવા હરિજનવાસમાં રહેતો યુવાન બળવંત પંડિત શનિવારે રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠો હતો ત્યારે ત્રણ ચાર મહિના અગાઉ બળવંત પંડિત અને અન્ય ત્રણ ચાર જણાએ વિકાસ સોલંકીને ઢોર માર માર્યો હતો. જેમાં વિકાસ ગંભીર રીતે ઘવાયો હતો. જેની અદાવત રાખી શનિવારે રાતે વિકાસ બળવંત પંડિતના ઘર સામે જ્યારે તે ખુરશીમાં બેઠો હતો ત્યારે વિકાસ સોલંકી ધસી આવ્યો હતો. કોઈ બોથડ પદાર્થ વડેવિકાસે બળવંત ઉપર ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલો કરી તે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સીટી પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં લોહી લુહાણ થયેલ ઘાયલ બળવંતને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે બીજી તરફ હુમલો કરનાર વિકાસને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.