(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: ચીખલીના થાલા ગામે થયેલ મારામારીમાં પોલીસે પ્રથમ અરજી લઈ અને બાદમાં ત્રણ જેટલા સામે ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ ફરિયાદ નોંધાયા બાદ આરોપી સામે કાર્યવાહી ન થતા રવિવારના સવારના સમયે વલસાડ તાલુકાના આહીર સમાજના 70 થી વધુ મહિલા-પુરુષો ચીખલી પોલીસ સ્ટેશને ધસી આવી પીએસઆઈને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી દીપકભાઈ બાવાભાઈ આહીર (હાલરહે.ગુંદલાવ આસોપાલવ એપાર્ટમેન્ટ રૂમ નં. 201 ત્રીજો માળ, તા.વલસાડ) (મૂળ રહે.હનુમાન ફળિયા, જોરાવાસણ, તા.જી.વલસાડ)એ પોલીસ મથક નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર દીપકભાઈ આહીર 13મી મેના રોજ સવારે 11 વાગ્યાના સમયે ઈકો કાર નં. જીજે-05-સીઈ-8107 લઈ ચીખલી કોલેજ વિસ્તારમાં આવેલ ચૌધરી ફાઈનાન્સની ઓફિસે કામકાજ અર્થે આવ્યા હતા. જે કામ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમ્યાન ભીખુભાઈ આહિર (રહે.થાલા, તા.ચીખલી) આવી જણાવેલ કે, તમારી ટ્રક ભગત પાસે છે. તેના કેટલા પૈસા બાકી છે. તે હું ભરી દઉ ત્યારે દીપકભાઈએ જણાવેલ કે મારી ટ્રક મે વેચેલ નથી તેમ જણાવતા ભીખુ આહીર ઉશ્કેરાઈ જઈ ઝપાઝપી કરવા લાગતા તેમની સાથે આવેલ જીતુભાઈ આહીર તેમજ શૈલેષભાઈ આહીરે પણ ઝપાપઝપી કરી ત્રણેય શખ્સોએ માર મારી ઈકો કારમાં વલસાડના ઘડોઈ ખાતે રહેતા જગુભાઈ આહિરના ઘરે જવા નીકળેલા અને ત્યાં પહોંચી જગુભાઈ આહિરે દીપકભાઈ આહીરનો વિડીયો ઉતારી બોલવા જણાવેલ કે ‘હું મારી રીતે જગુભાઈના ઘરે ચીખલી થી હું પોતે લઈ જાવ છુ’ તેઓ વિડીયો ઉતારી દિપકભાઈ આહીરના ભાઈને મોકલી આપ્યો હતો. બાદમાં તેઓ વલસાડ જવા માટે નીકળ્યા હતા ત્યારે જગુભાઈ આહિર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનપાસે ઉતારી જતા ભાણેજ આવતા તેની સાથે સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
ઉપરોક્ત બનાવ બાબતે પોલીસે ભીખુભાઈ આહીર (રહે.થાલા તા.ચીખલી), જગુભાઈ આહીર (રહે.ઘડોઈ, તા.જી.વલસાડ) અને શૈલેષભાઈ આહીર (રહે.ગોરગામ ટીબલી ફળીયા, તા.જી.વલસાડ) એમ ત્રણ જેટલા સામે ગુનો નોધી વધુ તપાસ હે.કો-સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.
4 દિવસ વિતવા છતાં આરોપીઓ સામે કાર્યવાહી ન કરાતા આહિર સમાજના 70 વધુ લોકો ચીખલી પોલીસ સ્ટેશન ધસી આવ્યા
ચીખલી ખાતે દીપકભાઈ આહીરને માર મારવાની ઘટનામાં ફરિયાદ થયાના ચાર દિવસ વીતવા છતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા રવિવારની સવારના સમયે 70 થી વધુ આહીર સમાજના પુરુષ-મહિલાઓ ભેગા મળી ચીખલી પોલીસ સ્ટેશન આવી પહોંચી પીએસઆઈ-જે.બી.જાદવ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 13મી મે ના રોજ છ જેટલા સામે લેખિત અરજી કરી હતી. ત્યારે પોલીસે માત્ર ત્રણ સામે જ કેમ ફરિયાદ દાખલ કરી અને આજદિન સુધી કેમ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી તેવા સવાલો પણ કર્યા હતા. ત્યારે ઉપરોક્ત બનાવવામાં પોલીસ વહાલા-દવલાની નીતિ છોડી જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન જ કરશે તે જોવુંરહ્યું.
ઉપરોક્ત બનાવ અંગે પીએસઆઈ જે.બી.જાદવને પૂછતા જણાવ્યું હતું કે મારા-મારીના બનાવ અંગે આહીર સમાજના આગેવાનો રૂબરૂ મળવા આવ્યા હતા અને ઉપરોક્ત બનાવવામાં હાલ તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ જરૂર જણાય તપાસના અંતે અન્ય લોકોના નામો પણ ગુનામાં દાખલ કરાશે તેમજ વધારાની કલમ પણ જરૂર પડે ઉમેરો કરવામાં આવશે.