નાસિકથી પરિવાર સિફટ કાર લઈ સેલવાસ ફરવા આવેલો, પરત ફરતા અકસ્માત નડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: કપરાડાના અંભેટી ત્રણ રસ્તા ઉપર આજે મંગળવારે સવારે સ્વિફટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના તમામ સભ્યો અને બાઈક સવાર ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતની વિગતોમુજબ અંભેટી ત્રણ રસ્તા ઉપર સર્જાયેલ અકસ્માતમાં નાસિકનો પરિવાર તેમની સ્વિફટ કાર નં.એમએચ 26 બીએક્સ 7150 લઈ દાદરા નગર હવેલી સેલવાસ આવ્યો હતો. ફરીને પરિવાર નાસિક તરફ જઈ રહ્યો હતો ત્યારે અંભેટી ત્રણ રસ્તા ઉપર ઓવરટેક કરવા જતા સામે આવી રહેલ બાઈક સવાર યુવકની બાઈકને ટક્કર મારી દીધી હતી. સોહન દિનેશ પટેલ નામનો બાઈક સવાર કોઈ કામ સર કોપરલી તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક સેંકડો લોકો ભેગા થઈ ગયેલા હતા. કાર સવાર પરિવારના ઘાયલ તથા બાઈક સવાર યુવકને એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અંભેટી નાસિક રોડ ઉપર શાકભાજી, દૂધના ટેમ્પા અને પેસેન્જર ફરતી ઈકો કારો બેફામ રીતે ડ્રાઈવિંગ કરતા રહે છે તેથી અવારનવાર આ રોડ ઉપર અકસ્માતો સર્જાતા રહે છે.