વલસાડઃ તા. ૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, તે વિસ્તારમાં મતદાનના દિવસે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ચૂંટણીના મુકત, ન્યાયી અને સરળ સંચાલન તથા કોઇ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ હથિયાર પરવાનેદારોને તાત્કાલિક અસરથી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ હથિયારો લઇ જવા નહીં તથા સાથે નહીં રાખવા તેમજ તેમના હથિયારો તાત્કાલિક અસરથી દિન-૧૦માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા જણાવ્યું છે.
આ હુકમ સરકારી નોકર કે જાહેર ફરજ બજાવતી વ્યક્તિઓ કે જેને જાતે અથવા તેના ઉપરી અધિકારીની સુચના અનુસાર આવું કોઇ પણ હથિયાર જોડે રાખવું એ તેની કાયદાકીય ફરજનો ભાગ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષકશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.