(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા સચિવ શ્રી નિખિલ દેસાઈ અને સંયુક્ત સચિવ શ્રી અરુણ ગુપ્તાના માર્ગદર્શનમાં આજે હીન્દી પખવાડાના સમાપન અને પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન સેલવાસના કલા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ શિવ પ્રકાશ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સરસ્વતી વંદનાની પ્રસ્તુતિ કરીને કરવામાં આવ્યો હતો. સહાયક નિર્દેશક(રાજભાષા) ડૉ. અનિલ કૌશિકે સ્વાગત વક્તવ્ય આપતાં તમામને હિંદી ભાષા પ્રત્યે પ્રેરિત કર્યા હતા.
ત્યારબાદ લાયન્સ ઈંગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓ અને માઉન્ટ લિટેરા સ્કૂલના શિક્ષકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ અને કાર્યક્રમના મુખ્ય અતિથિ નિવાસી નાયબકલેક્ટર(સેલવાસ) સુશ્રી ચાર્મી પારખ, ભારતીય રિઝર્વ બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી આર.એ.સિંહ, આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી સૂર્યમણિ મિશ્રા અને રાજભાષા વિભાગના ડૉ. અનિતા કુમારે સંયુક્ત રીતે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ‘હિન્દી પખવાડા’ અંતર્ગત હિંદી નિબંધ, હિંદી વક્તૃત્વ, હિંદી ટાઈપિંગ, હિંદી નોંધ અને મુસદ્દો લેખન, હિંદી દેશભક્તિ ગીત તથા શ્રુતલેખન વગેરે તમામ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા સ્પર્ધકોને મુખ્ય અતિથિ નિવાસી નાયબ કલેક્ટર(સેલવાસ) સુશ્રી ચાર્મી પારેખ અને ભારતીય રિઝર્વ બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી આર.એ.સિંહના કરકમળો દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભારતીય રિઝર્વ બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી આર.એ.સિંહે પ્રાસંગિક વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, રાજભાષાના પ્રયાસથી ભારતીય રિઝર્વ બટાલિયનના લક્ષદ્વીપના જવાનોમાં પચાસ ટકાથી વધુ હિન્દી બોલવા અને સમજવાની ક્ષમતા વધી છે. તેમને રાજભાષા વિભાગની હિન્દી પખવાડાનું આયોજન કરવા બદલ પ્રશંસા કરી હતી.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સેલવાસના નાયબ નિવાસી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખે રાજભાષા વિભાગતથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને શુભકામના આપી હતી અને જણાવ્યું હતું કે, રાજભાષા વિભાગને શુભકામના આપું છું કે તેઓએ પ્રશાસનના દરેક વિભાગો, કેન્દ્રીય સરકારના કાર્યાલયો, રાષ્ટ્રીયકૃત બેંકો અને દરેક શાળાઓ અને કોલેજોને સામેલ કરી ‘હિંદી પખવાડા’નું ભવ્ય આયોજન કર્યું. સમાજમા અંગ્રેજી ભાષાનું ચલન શીખવે છે કે આપણે આપણી માતૃભાષા અને રાજભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. સંપૂર્ણ ભારતવર્ષમાં જેટલી બોલી અને ભાષાઓ છે એમાં એક માત્ર હિંદી જ એવી ભાષા છે જેને ઉપયોગમાં લેવી અતિ આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે દરેકે સાથે મળીને રાજભાષાનો પ્રચાર કરીએ, એનો સરકારી કામકાજમાં ઉપયોગ કરીએ. રાજભાષા વિભાગ આ ક્ષેત્રમાં હિંદીના પ્રચાર અને પ્રસારને પ્રોત્સાહન આપવામાં પ્રસંશનીય કાર્ય કરી રહ્યો છે.
સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન અને આભાર વિધિ રાજભાષા વિભાગના સહાયક નિર્દેશક ડૉ. અનિલ કૌશિકે આટોપી હતી.