(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિત રોગચાળો માથુ ઊંચકતો હોય છે અને હવે ચોમાસાના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. તેવા સમયે જિલ્લામાં મચ્છર અને પાણી જન્ય રોગચાળો વક્રતા અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રંગૂનવાલાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્યો રોગોના નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીખલી તાલુકાના 12 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીએચસી વિસ્તારના 2,59,965 જેટલી વસ્તીને સર્વેમાં આવરી લેવામાં આવી હતી. જેમાં તાવના 960 જેટલા કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. ચીખલી તાલુકાના તાવના મળી આવેલ કેસોના બ્લડ સેમ્પલ લઇ લેબોટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યા હતા. પરંતુ તે પૈકી એક પણ કેસ મેલેરિયાનો ન મળી આવતા ચીખલી તાલુકા આરોગ્ય વિભાગ ને રાહત થવા પામીહતી.
ચીખલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે દરમ્યાન ઘરની અંદર અને બહાર રહેલા પાત્રોની તપાસ કરી એન્ટી લારવલ કામગીરી કરવામાં આવી અને મચ્છર ઉત્પન્ન થાય તેવા પાત્રોનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સર્વે દરમિયાન દરેક ઘરમાં મચ્છરદાનીના ઉપયોગ અંગે વિસ્તૃત સમજણ પણ આપવામાં આવી હતી. સગર્ભા બહેનોને મચ્છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી. ઘરની આસપાસ પાણી ભરાઈ રહે તેવા સાધનો શોધી તેનો નિકાલ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
