(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઉપર કોલેજ સર્કલથી રાનકુવા સુધીની લંબાઈમાં માર્ગ મકાન દ્વારા માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગને પગલે ભારે વાહનોની અવાર જવર વધુ રહેતી હોય તેવામાં માર્ગની વધુ પહોળાઈ હોય તે જરૂરી હતું. બીજી તરફ માર્ગની સાઈડે ચોમાસામાં બેસી જતા આ સપાટી ખાડા-ટેકરાવાળી ઊંચી નીચી થતી હોય છે. જેને પગલે વાહન ચાલકોને ભયના ઓથાર હેઠળ વાહનો હંકારવાની નોબત આવતી હોય છે.
ઉપરોક્ત સ્થિતિમાં હાલે માર્ગ મકાન દ્વારા રોડ સાઈડની જગ્યામાં ખોદકામ કરી આ ખાડા ટેકરાવાળી સપાટીને સમતલ કરી માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે માર્ગની પહોળાઈ વધતા આગામી દિવસોમાં વાહન ચાલકોને મોટી રાહત થશે તે નિヘતિ જણાઈ રહ્યું છે.
ચીખલી-વાંસદા રાજ્યધોરીમાર્ગ ઉપર માર્ગ મકાન દ્વારા કોલેજ સર્કલથી માણેકપોર સુધીની લંબાઈમાં માર્ગની બન્ને તરફની કાચી ગટરોની તથા ઠેર ઠેરના નાળાઓની સાફ સફાઈ ચોમાસા પૂર્વે કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે પાણીનો નિકાલ થશે તો જ માર્ગ ટકશે અને વિસ્તુતિકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચનો ખરા અર્થમાંલોકોને લાભ થશે તે વાત ચોક્કસ છે.