મૃતક દાદરાની કંપનીમાં નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડ લાલબહાદુર ટોમય ઓળખ થઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપીના ગાંધી સર્કલ નજીક સોનોરસ બિલ્ડીંગના સામેના રસ્તા પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વાપીના ગાંધી સર્કલ નજીક ગત સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોઈને લોકો એકઠા થઈ ગયા હતા ત્યારે આસપાસના લોકોના જણાવ્યા મુજબ યુવક સવારથી આંટાફેરા મારતો હતો તેમજ ચિક્કાર દારૂ પિધેલો જણાતો હતો. ત્યારબાદ ગરમીમાં તે ઢળી પડયો હતો. ગીતાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. કેટલાક નેપાળીઓને બોલાવવામાં આવ્યા હતા. જેથી ઓળખ થઈ શકી હતી. મૃતક યુવકનું નામ લાલબહાદુર દિલબહાદુર ટોમય હતું. જે મૂળ નેપાળમાં રહેતો હતો તેમજ દાદરા મધુસુદન રેટોન્સ પ્રા.લી.માં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અને સામાન લઈ નેપાલ જવા નિકળ્યો હતો. તે આધારે પરિવારના સભ્યોને બોલાવી તેમની હાજરીમાં પંચનામુ કરી મૃતદેહને પી.એમ. માટે મોકલીઆપ્યો હતો. પ્રાથમિક તારણમાં દારૂ પીધેલી હાલતમાં ગરમીના કારણે મોતને ભેટયો હોવાનું અનુમાન લગાવાયું છે.