(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના સમરોલી જુના વલસાડ રોડ ઉપર આવેલ આગમનાઈન સોસાયટીમાં રહેતા જયપ્રકાશ નરેન્દ્રભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર રવિવારના રોજ પત્ની સાથે ફરવા ગયા હતા. જે રવિવારની રાત્રીના એકાદ વાગ્યે ઘરે પરત આવી સુઈ ગયા હતા. ત્યારે નીચેના રૂમમાં જયપ્રકાશની માતા તથા બહેન પણ સુતા હતા. રાત્રીના બે એક વાગ્યાના સમયે પ્રથમ માળે રૂમનો દરવાજો કોઈએ ખખડાવેલ તેવો અવાજ આવતા દરવાજો ખોલીને જોતા કોઈ દેખાયું ન હતું. બાદ વહેલી સવારના સાતેક વાગ્યાના સમયે જોતા બહાર હોલમાં બારીની ગ્રીલના ત્રણ સળિયા કાપી મકાનમાં પ્રવેશી મકાનના બેડરૂમમાં રાખેલ કબાટનું લોકર તોડી જેમાં મુકેલ સોનાનો હાર નંગ-1 આશરે 40-ગ્રામ કિ.રૂ.40,000/-, સોનાની બિસ્કીટ નંગ-1 આશાર 10-ગ્રામ કિ.રૂ.10,000/-, સોનાનું બ્રેસલેટ નંગ-1 આશરે 17-ગ્રામ કિ.રૂ.1,10,000/- મળી કુલ્લે રૂ.1,60,800/- મત્તાની કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયેલાની ઘટના બનવા પામી હતી.
જોકે જે બેડરૂમના કબાટમાંથી તસ્કરો સોનાના દાગીનાની મત્તા ચોરી ગયા હતા. તે બેડરૂમમાં મહિલા અને તેની દીકરી પણ સૂતેલા હતા.ત્યારે તસ્કરો આ મકાનમાં કસબ અજમાવીને સમરોલી ખાતે આવેલ રામનગર સોસાયટીમાં પણ કસબ અજમાવવા ગયાહતા. પરંતુ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ભાગી છૂટયા હોવાનું જાણવા મળ્યુ હતુ. સમરોલી જુના વલસાડ રોડ ખાતે ચોરીની ઘટના બની હતી. ત્યાંથી માત્ર 100-મીટરના અંતરે સોસાયટીના મેઇન ગેટ ઉપર પોલીસનો નાઈટ પોઈંટ હોવા છતાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. ચોરીની ઘટનામાં પોલીસે ફરિયાદ લેવામાં ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવી કલાકો બાદ ગુનો નોંધતા પોલિસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા.
સમરોલી જુના વલસાડ રોડ સ્થિત સોસાયટીમાં થયેલી ચોરીમાં રોકડા રૂપિયા 25 થી 30 હજાર ગયા હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ આ બાબતે પોલીસ ચોપડે રોકડા રૂપિયાનો ઉલ્લેખ કરાયો ન હતો.