2014માં દાનહ અને દમણ-દીવના બંને સાંસદો ભાજપના હોવા છતાં અને કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે ખુબ જ તટસ્થતા અને ન્યાયી રીતે ચલાવેલા વહીવટથી આજે પ્રદેશે શૈક્ષણિક, સાંસ્કૃતિક, પ્રવાસન, ઔદ્યોગિક તથા માળખાગત ક્ષેત્રે મેળવેલી અનેક સિદ્ધિઓ
દાનહ અને દમણ-દીવમાં અત્યાર સુધી ભારત સરકારમાં પોતાનો પડઘો પાડી શકે એવું નેતૃત્વ મળ્યું નથી, પરંતુ 2014થી મોદી સરકારના ગઠન બાદ પ્રદેશની જરૂરિયાતો અને સમસ્યાના નિરાકરણ માટે બનાવવામાં આવેલી રણનીતિ
2014માં કેન્દ્રમાં પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ ધીરે ધીરે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વહીવટી માળખામાં પણ પરિવર્તનની શરૂઆત કરી હતી. તેમણે યુવા આઈ.એ.એસ. અધિકારીનો પ્રયોગ કરી શ્રી આશિષ કુન્દ્રાને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના વહીવટની બૂમ સંભળાતા લગભગ દોઢ વર્ષ બાદ બદલી કરી તેમના સ્થાને શ્રી વિક્રમ દેવ દત્તની નિયુક્તિ કરી હતી. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણ અને દીવને ઠીકકરવા આઈ.એ.એસ. અધિકારીની જગ્યાએ પોલીટિકલી નિયુક્તિ કરી કમાન શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરી હતી અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે આઈ.એ.એસ. પ્રશાસકશ્રીને જાળવી નવયુવાન આઈ.એ.એસ. અધિકારી શ્રી મધુપ વ્યાસને પદભાર સોંપ્યો હતો. પરંતુ માંડ ત્રણ મહિના બાદ તેમના સ્થાને શ્રી પ્રફુલભાઈ પટેલને જ દાદરા નગર હવેલીનો હવાલો પણ સુપ્રત કરાયો હતો.
2014ની લોકસભાની ચૂંટણીમાં બંને દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. સંઘપ્રદેશ પ્રશાસનના વડા તરીકે પણ ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્તિ થતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જે પરંપરા 1989થી શરૂ થઈ હતી તેમાં અનેકગણો વધારો થશે એવી દહેશત સામાન્ય લોકોને હતી. કારણ કે, બંને સાંસદો ભાજપના અને પ્રશાસકશ્રી પણ ભાજપના, તેથી હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જે ઈચ્છે તે થશે એવી અપેક્ષા પણ કેટલાક કાર્યકરો અને નેતાઓ રાખી રહ્યા હતા. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજા અને વિકાસલક્ષી શરૂ કરી તમામની બોલતી બંધ કરી દીધી હતી.
મોદી સરકારમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સરકારી અધિકારીઓના વર્કકલ્ચરમાંપણ પરિવર્તન આવ્યું છે. આજે પ્રશાસક તરીકેના શ્રી પ્રફુલભાઈ પટેલના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન પોલીસ તંત્રથી લઈ સરકારી અધિકારીઓ પણ સ્વતંત્ર રીતે કોઈના પણ દાબદબાણ વગર નિર્ણય લેતા થયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 1989થી શરૂ થયેલી પરંપરા ચાલુ રાખી હોત તો આજે પ્રદેશ શૈક્ષણિક, સાંસ્કૃતિક, પ્રવાસન, ઔદ્યોગિક તથા માળખાગત રીતે વિકસિત નહીં બની શક્યો હોત. ફક્ત વિકાસ કેટલાક નેતાઓનો થયો હોત અને સામાન્ય લોકો માટે પોતાના ભાગ્યના ઘડતર માટે બીજા ઉપર આધાર રાખવો પડે એવી સ્થિતિ હોત. તેથી આમ જોવા જઈએ તો સાંસદોનું મુખ્ય કામ પોતાના મત વિસ્તારના ક્ષેત્રની સમસ્યાને સમજી તેના ઉકેલ માટે લોકસભાનું ધ્યાન આકર્ષિત કરવું અને નવી યોજનાની રૂપરેખા રજૂ કરવી. જેથી તેમની યોજનાઓનો પડઘો સરકારના બજેટ તથા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓમાં પડી શકે. પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અત્યાર સુધી સરકારમાં પોતાનો અવાજ પાડી શકે એવું નેતૃત્વ મળ્યું નથી એ પણ ઘણું સૂચક છે. પરંતુ 2014થી કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ પ્રદેશની સમસ્યાને સમજી અને તેના ઉકેલ માટે સરકારે વ્યવસ્થિત રણનીતિ બનાવી પ્રયાસ શરૂ કર્યો છે. (ક્રમશઃ)