(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: ચણોદ સ્થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ ખાતે અભ્યાસ કરતી 6 વિદ્યાર્થીનીઓને ‘‘ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ (મહિલા)” માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. આ ચેમ્પિયનશિપ રાજસ્થાનની કોટા યુનિવર્સિટીમાં યોજાવાની છે. પસંદ કરાયેલા ખેલાડીઓમાં આંચલ પાંડે (ટી.વાય.બી.કોમ.), મૈત્રી ચૌહાણ (ટી.વાય.બી.સી.એ.), સંધ્યા પ્રસાદ (ટી.વાય.બી.કોમ.), રિયા શુકલા (એસ.વાય.બી.સી.એ.), શિવાની મિશ્રા (એસ.વાય.બી.કોમ.), સ્નેહા શુકલા (એફ.વાય.બી.બી.એ.) નો સમાવેશ થાય છે. વધુમાં, ટુર્નામેન્ટ માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે બે ખેલાડીઓ ઉજાલા ચૌબે (ટી.વાય.બી.કોમ.), અને મમતા સિંહ (એસ.વાય.બી.સી.એ.) ની પસંદગી થઈ છે. કોલેજના પ્રિન્સિપાલ ડો.પૂનમ બી. ચૌહાણે આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અનેખેલાડીઓને તેમની મહેનત અને સમર્પણ માટે અભિનંદન આપ્યા હતા. તેણીએ કોલેજના રમતગમતનાં માર્ગદર્શકો, ડો.મયુર પટેલ અને શ્રી રોહિત સિંઘનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે વિદ્યાર્થીનીઓને તૈયાર કરવાના સખત પ્રયાસો કર્યા છે. આ પસંદગી કોલેજની રમતગમતની ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમની સંભવિતતા હાંસલ કરવા માટે સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
