ઓર્બ્ઝવરોની ઉપસ્થિતિમાં કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26- વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ સાત વિધાનસભા પર થયેલા મતદાનની મત ગણતરી તા.4 જૂનના રોજ થનાર છે ત્યારે ઈલેકશન કમિશન દ્વારા નિયુક્ત કરાયેલા કાઉન્ટિંગ ઓર્બ્ઝવરશ્રી કબિન્દરકુમાર શાહુ અને જનરલ ઓર્બ્ઝવર તરણપ્રકાશ સિંહાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં કાઉન્ટિંગ સ્ટાફનું બીજી વખતનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ ઓર્બ્ઝવરશ્રીઓએ વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી સ્થળની વિઝિટ લઈ તમામ માહિતી મેળવીજરૂરી સૂચનો પણ કર્યા હતા.
મતગણતરી સ્થળ પર જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે બંને ઓર્બ્ઝવરોને પાર્કિંગ વ્યવસ્થા, મેઈન ગેટ પર તપાસ બાદ એન્ટ્રીની સિસ્ટમ, સરકારી સ્ટાફ, મીડિયા કર્મીઓ તેમજ ઉમેદવારો અને તેમના એજન્ટો માટે ભોજન વ્યવસ્થા સ્થળ, મીડિયા કર્મીઓ માટે બે મીડિયા સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મતગણતરી સ્થળના ઈલેક્ટ્રીકલ બિલ્ડિંગમાં વીધાઉટ મોબાઈલ અને સિવિલ બિલ્ડિંગમાં વીથ મોબાઈલની સુવિધા, આઈટી સેલ માટેની વ્યવસ્થા, સરકારી અધિકારીઓ માટે ઓફિશ્યલ કમ્યુનિકેશનની વ્યવસ્થા, સંસ્કાર કેન્દ્ર ખાતે જાહેર જનતા માટે કરાયેલી લાઈવ પ્રસારણની વ્યવસ્થા, હિટવેવ સંદર્ભે આરોગ્યલક્ષી સુવિધાઓ, પોલીસ બંદોબસ્ત, પોસ્ટલ બેલેટની ગણતરી અને સાત વિધાનસભાના વિવિધ રાઉન્ડમાં થનાર મત ગણતરીની વ્યવસ્થાનું બારીકાઈ પૂર્વક નિરિક્ષણ કરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી તમામ સુચારૂ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ બંને ઓર્બ્ઝવરશ્રીઓને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે એસઆરપી, સીએપીએફ અને રાજ્ય પોલીસના અધિકારીઓ અને કર્મીઓ દ્વારા ગોઠવાયેલા જડબેસલાક બંદોબસ્ત અંગે માહિતગાર કર્યા હતા. આ નિરિક્ષણ દરમિયાન નાયબજિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, ડીવાયએસપી એચકયુ ભાર્ગવ પંડ્યા સહિત મત ગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.