(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામના ખુટાડીયા ફળીયા તરફ જતા રસ્તાની બાજુમાં સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે દીપડી (માદા) (ઉ.વ.આ-2) જે મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ ગામના સરપંચ નિરવભાઈ પટેલે કરતા વનવિભાગના આરએફઓ-આકાશભાઈ પડશાલા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી મૃત દીપડીનો કબ્જો લઈ એફએસએલ પરીક્ષણ માટે વિશેરા લઈ પશુ ચિકિત્સક પાસેપીએમ કરાવી સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જે બનાવમાં ચીખલી વન વિભાગ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બનાવના સ્થળે સાગના ઝાડ ઉપર દીપડી મોરલાનો શિકાર કરવા માટે ચડી હતી. અને ત્યાંથી ઝાડ ને અડીને પસાર થતી વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગવાથી દીપડીનું મોત થયું હતું. ત્યારે એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.
રાનવેરી કલ્લા ગામના સરપંચ નીરવભાઈ પટેલના જણાવ્યાનુસાર સરૂબેન મનુભાઈ પટેલના ખેતર પાસે રસ્તાની બાજુમાંથી ઝાડ આવેલ છે અને ત્યાંથી વીજ કંપનીનો વિજપોલ હોય ત્યારે દીપડી ઝાડ ઉપર બેસેલ મોરનો શિકાર કરવા માટે ચડતા વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું લાગી રહ્યું છે.
પશુ ચિકિત્સાક ડો.હિતેશભાઈના જણાવ્યાનુસાર મૃત માદા દીપડીનું પીએમ કરતા પ્રાથમિક તબક્કે ઝાડ ઉપર શિકારની શોધમાં ચડેલ હોય અને વીજ કરંટ લાગતા જેનું મોત નીપજ્યું હોવાનું લાગી રહ્યું છે.