ઝુલા ખાતી વીજલાઈનમાંથી તણખા પડતા આગ ફાટી નિકળી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.03: ઘેજ ગામના બીડમાં પાટીદાર ખેડૂત અગ્રણી ચેતનભાઈના શેરડીના ખેતરમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા જોત જોતામાં આગ મોટા વિસ્તારમાં ફેલાતા બે વીઘાથી વધુનો શેરડીનો પાક આગની લપેટમાં આવી જવા સાથે ટપક સિંચાઈના પાઈપો પણ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે ચેતનભાઈ સાથે સેજલભાઈ સહિતના ખેડૂતોએ શેરડીના ખેતરમાં કેટલાક શેરડીનો ભાગ કાપી નાંખી અલગ કરી દેતા અને ખેતરમાં પાણી ચાલુ કરી દેતા કઈક અંશે આગ કાબુમાં આવી હતી. બાદમાં તાલુકા પંચાયતના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ પણે કાબુમાં લીધી હતી. ઘટનાનની જાણ થતાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ સહિતનાઓ પણ પહોંચી જઈ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને વિજલાઈનની સત્વરે મરામત માટે જાણ કરી હતી. બાદમાં વીજ કંપનીના ઈજનેરો સ્થળ પર આવી પંચકયાસની કાર્યવાહી હાથ ધરી હતી.
શેરડીના ખેતરમાં ઝુલા ખાઈ રહેલ વીજ લાઈનની મરામત માત્ર ખેડૂત ચેતનભાઈ દ્વારા ખેરગામ સબ ડિવિઝનના સ્ટાફને બે દિવસ પૂર્વે પણ જાણ કરી હતી. પરંતુ વીજ કંપનીના ઈજનેરો દ્વારા ગંભીરતા ન દાખવવામાં આવતા નવ મહિનાનો શેરડીનો પાક નકામો થવા સાથે બિયારણ, ખાતર, પાણી, મજૂરી પાછળ કરેલ ખર્ચ માથે પડવા સાથે વીજ કંપનીનીલાલિયાવાડીમાં મોટું નુકસાન થવા પામ્યું હતં.
ખેરગામ વીજ કંપનીના જુનિયર ઈજનેર એન.એન.પટેલના જણાવ્યાનુસાર બીડમાં શેરડીના ખેતરમાં વીજ લાઈન નમી ગયેલ છે. તેની મરામત માટેનું આયોજન થઈ જ ગયેલ છે. જે ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલે સ્થળ પર નુક્શાનીનો પંચકયાસ કરવામાં આવ્યો છે.
—-