(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. દાનહમાં ખાલી પડતર જમીનમાં વૃક્ષોના છોડ વાવવાની પહેલ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પીપરિયા ખાતે વનવિભાગની કચેરી સામે આવેલી ખુલી જગ્યામાં ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વનવિભાગના અધિકારી, કર્મચારી સહિત પીપરીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા લીમડો, મહૂડો, વડ, ગુલમહોર પીપળો જેવા 135 જેટલા છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુંહતું.
આ ઉપરાંત ચોમાસાના વરસાદનો પ્રારંભ થતાં જ દાનહ વનવિભાગ દ્વારા સંઘપ્રદેશને લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વર્ષે વન વિભાગ દ્વારા 500 હેક્ટરમાં આશરે 8 લાખ જેટલા છોડવાઓ રોપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વનવિભાગના એ.સી.એફ. શ્રી વિજય પટેલ, આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, અન્ય વન અધિકારી કર્મચારીઓ તેમજ પીપરીયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીઓના કામદારો-કર્મચારીઓ જોડાયા હતા.