નિયમિત અભિયાનો ચલાવવામાં આવશે તો સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓમાં પર્યાવરણના સંરક્ષણ હેતુ જાગરૂકતા પેદા થશે અને દમણનો સમુદ્ર કિનારો સ્વચ્છ, સુંદર અને ઔર વધુ રમણીય બની રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા પ્રશાસન, વન વિભાગ અને પીસીસી દ્વારા વૃક્ષારોપણ સહિત સમુદ્ર કિનારાની સ્વચ્છતા માટે ખાસ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય ફક્ત સમુદ્ર કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાનો જ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાનમાં દમણનગરપાલિકા, ગ્રામ પંચાયતો, સ્થાનિક એન.જી.ઓ. અને કેટલાક સ્વયંસેવી સંગઠનોએ ભાગ લીધો હતો જેમાં સેંકડો સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો.
આ અભિયાનમાં યુવાનો, મધ્યમ તેમજ વડીલ ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમુદ્ર કિનારા ઉપરથી પ્લાસ્ટિક કચરો, બોટલો, વેફર-બિસ્કિટ-ચોકલેટ, નાસ્તાના કાગળો, પોલીથીન બેગ તેમજ અન્ય ઘન કચરો એકઠો કર્યો હતો. સફાઈ દરમિયાન એકઠો કરાયેલા ઘન કચરાના યોગ્ય નિકાલ માટે સંચાલન અને રિસાયકલીંગ પ્રક્રિયા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે આયોજીત સમુદ્ર કિનારાનું સ્વચ્છતા અભિયાન દમણમાં પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વની પહેલ છે. જિલ્લા પ્રશાસને આશા વ્યક્ત કરી છે કે, આ પ્રકારે જો નિયમિત અભિયાનો ચલાવવામાં આવશે તો સ્થાનિક નાગરિકો તથા પ્રવાસીઓમાં પર્યાવરણના સંરક્ષણ હેતુ જાગરૂકતા પેદા થશે અને દમણનો સમુદ્ર કિનારો સ્વચ્છ, સુંદર અને ઔર વધુ રમણીય બની રહેશે. સમુદ્ર કિનારો આપણાં પર્યાવરણનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને ચોખ્ખો રાખવાની આપણી એક નૈતિક જવાબદારી છે. આજનું આ અભિયાન આપણાં સમુદ્ર તેમજ તેના કિનારાને પ્લાસ્ટિક અને અન્ય બિનજરૂરી કચરાથી મુક્ત કરવાની દિશામાં એકમહત્વનું પગલું છે. જેની કડીમાં જિલ્લા પ્રશાસન દ્વારા દમણમાં એવીએરી પાસે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જ્યાં વિવિધ વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, ઉપ કલેક્ટર(મુખ્યાલય) શ્રી રાહુલ દેવ બુરા, નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સંજામ સિંહ સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા દમણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ઘણી સંખ્યામાં વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ વાવેલો છોડ જ્યાં સુધી વટવૃક્ષ નહીં બને ત્યાં સુધી એનું જતન કરવામાં આવે એ પણ આપણી નૈતિક ફરજ છે. તેથી દરેકે વૃક્ષારોપણ કર્યા બાદ છોડ ઘટાદાર નહીં બને ત્યાં સુધી તેની માવજત કરવી જરૂરી છે. તે માટે પણ દરેકે શપથ લેવા જોઈએ અને પોતે તથા અન્ય કોઈએ વાવેલા તમામ વૃક્ષોના છોડવાના ઉછેરની કાળજી લેવી જરૂરી છે.