(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લાનાં હેલ્થ કેર વર્કરો, ફ્રન્ટલાઇન વર્કરો તથા 60 વર્ષથી વધુ વયનાં વ્યક્તિનોને બુસ્ટર (પ્રિકોશન) ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમજ 12 થી 14 વર્ષ વયજુથ, 15 થી 17 વર્ષ વયજુથ તેમજ 18 વર્ષથી વધુ વયનાં લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં વંચિત રહેલા લાભાર્થીઓ માટે 6 ઓગષ્ટને શનિવારે “કોવિડ- 19 ૨સીકરણ મેગા કેમ્પ”નું આયોજન કરાયું હતું જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 46503 લોકોએ ઉત્સાહભેર રસી મુકાવી હતી.
વલસાડ જિલ્લાની કુલ- 343 સેશન સાઈટો ઉપર 58 વ્યકિતએ પ્રથમ ડોઝ, 135 વ્યક્તિએ બીજો ડોઝ તથા 46310 વ્યક્તિઓએ પ્રિકોશન ડોઝ લીધો હતો. આમ જિલ્લામાં કુલ 46503 વ્યક્તિઓને કોવિડ-19ની રસી મુકી કોરોના જેવા ગંભીર રોગ સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલી રહી છે.
આ મેગા ડ્રાઇવને સફળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ., ઈ.એમ.ઓ, જિલ્લા રક્તપિત્ત અધિકારી, જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર, જિલ્લા મલેરીયા અધિકારી, ડી.આઈ.ઈ.સી. ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ અને મેડિકલ ઓફિસરશ્રીઓના સુપરવિઝન હેઠળ આજનો આ મેગા ડ્રાઈવ સફળ બનાવવામાં આરોગ્ય કર્મચારી, સી.એચ.ઓ, આરબીએસકેની ટીમો અને આશા બહેનોએ સિંહફાળો આપ્યો હતો.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ કામગીરીમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતાં વ્યક્તિઓને કોવિડ– 19 રસીકરણથી સુ૨ક્ષિત કરી કોરોના વાયરસનાં સંક્રમણથી બચાવવા કોવિડ– 19 રસીકરણનો પ્રચાર – પ્રસાર, ગૃહ મુલાકાત લઇ લોકોમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ કેળવી કોવિડ– 19 રસીકરણનો વ્યાપ વધારવા માટેનાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.