ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાંથી લીકેજ અંગે બચાવ કામગીરી કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપદ્વારા વલસાડના અતુલ ખાતેની અતુલ પ્રાઈવેટ લિ. કંપનીમાં તા.15 જૂનને શનિવારના રોજ ઓફ સાઇટ મોકડ્રીલ (રીહર્સલ) યોજવામાં આવી હતી. જેમાં ક્લોરીન કેમિકલ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ફેક્ટરીમાંથી ટ્રાન્સપોર્ટેશન સમયે ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાં લીકેજ થાય ત્યારે કંપનીની જુદી જુદી ટીમો અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લીકેજ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. સાઇટ મેઇન કંટ્રોલર દ્વારા ઓફ સાઇટ ઈમરજન્સી જાહેર કરી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. ક્લોરીન લીકેજ દરમિયાન જે વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમણે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને સ્થળાંતરની કામગીરી પણ કરાઈ હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી રસ્તા બંધ કરીને વાસ્તવિક પરિસ્થિતી ઊભી કરી હતી. ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપની મદદ લઈ અતુલ-ફાયર અને સેફટી વિભાગે સમગ્ર પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો.
આ મોકડ્રીલ કારખાનાઓમાં ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવામાટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતા સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રતિનિધિ બી. એફ. પટેલે હાજર રહી મોકડ્રીલનો રાજ્ય સરકાએનો હેતુ સ્પષ્ટ કરી આપત્તિ સમયે વહીવટી તંત્રના વિભાગોના સમન્વયથી આપત્તિને અટકાવી શકાય છે એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલમાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપના મેમ્બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય એમ.સી. ગોહિલે મોકડ્રીલ પૂર્ણ થયા બાદ મોકડ્રીલ સાથે સંકળાયેલા ટીમ મેમ્બરઓને મોકડ્રીલમાં રહેલી ક્ષતિઓ બાબતે ધ્યાન દોરી તેનું પુનરાવર્તન ન થાય તે ધ્યાન રાખવા જણાવ્યું હતું. મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મામલતદાર એ.કે.મનસુરી, વલસાડ પીઆઈ(રૂરલ) બી. ડી. જીતિયા, માહિતી વિભાગની ટીમ, જીપીસીબીના આર.ઓ. એ. જી. પટેલ, અતુલ લિમિટેડના પ્રોડક્શન હેડ સુમન દત્તા, અન્ય હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઓફસાઇટ ઈમરજન્સી-મોકડ્રીલનું સફળ સંચાલન અને સંકલન ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપના મેમ્બર સેક્રેટરી અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય એમ.સી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. સમગ્ર મોકડ્રીલનું બ્રિફીંગ હૃદય દેસાઈ, આભારવિધિ વિનય દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.