વિદ્યાર્થીઓએ રાસ, ગરબા, દેશ ભક્તિ ગીત અને નૃત્ય સહિતની કુલ 6 કૃતિઓ રજૂ કરી: મંત્રીએ વૃક્ષારોપણ કરી શહીદોની સ્મૃતિ રૂપે શિલાફલકમને વંદન કરી ધ્વજવંદન પણ કર્યુ
જે રીતે સરદારની વિરાટ પ્રતિમા માટે ખેડૂતો પાસેથી ઓજાર એકત્ર કરાયા તેમ દેશભરમાંથી માટી એક્ત્ર કરી દિલ્હીમાં અમૃત વાટિકા બનાવાશે: રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: ‘‘દેશની આઝાદી બાદ તમામ રજવાડાઓને એક કરી અખંડ ભારત બનાવનાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈની વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ પ્રતિમા બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએજે રીતે દેશભરના ખેડૂતો પાસેથી ઓજાર પ્રતિક રૂપે એકત્ર કર્યા અને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી તેમ હવે દેશભરના ગામોમાંથી માટી એક્ત્ર કરી દિલ્હીમાં કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય યુધ્ધ સ્મારકની નજીક શહીદોની સ્મૃતિમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે. જેમાં વલસાડની માટીની પણ સુગંધ આવશે,” એવું રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોગરાવાડી પોલીસ હેડ કવાટર્સ ખાતે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત મારી માટી, મારો દેશ અને માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગામે ગામ યોજાયો છે. જેની શરૂઆત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાપી જિલ્લાથી તા.9 ઓગસ્ટે કરી હતી. આ કાર્યક્રમમાં ગામે ગામ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. જેના થકી બાળકોમાં પણ દેશ ભક્તિની ભાવના વિકસી છે. દેશભરના ગામની માટી દિલ્હી કર્તવ્યપથ પર જશે અને ત્યાં ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે. આ ‘અમૃત વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું ભવ્ય પ્રતિક બનશે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છતાઅભિયાનને યાદ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, પહેલા ગામના રસ્તાની બાજુમાં લોકો જાહેરમાં શૌચ કરતા હતા પરંતુ પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા મિશન ઉપાડતા દેશભરમાં આંદોલન બની ગયુ અને ગામડાઓ 100 ટકા ઓડીએફ જાહેર થયા છે.
સરકારી કચેરીઓમાં વચેટીયાઓની નાબૂદી અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, પહેલાના સમયમાં વિધવા સહાય કે આવાસ યોજનાની સહાય લેવા માટે અરજદાર કચેરીમાં જતો વચેટીયાઓ તેઓ પાસે રૂપિયા કઢાવી લેતા હતા પરંતુ મોદીજીએ જન ધન ખાતા ખોલાવતા હવે લાભાર્થીઓના સહાયના નાણાં સીધા બેંક એકાઉન્ટમાં જમા થઈ રહ્યા છે. આયુષ્યમાન કાર્ડના લાભ વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મા કાર્ડ યોજના શરૂ કરી અને પ્રધાનમંત્રી બન્યા બાદ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રૂા.5 લાખ સુધીની આરોગ્યલક્ષી સેવા નિઃશૂલ્ક મળતી થઈ અને હવે આ કાર્ડ હેઠળ રૂા.10 લાખ સુધીની સહાય મળતી થઈ છે જેથી હવે કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર નહીં પડે. પહેલા તો સારવાર માટે ઘરેણા તેમજ જમીન ગિરવે મુકી સારવાર કરાવવી પડતી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ અને ત્યારબાદ શિલા ફલકમ પર શહીદોને શ્રધ્ધાંજલિ આપી પુષ્પો અર્પણ કરી વંદન કર્યા હતા. મંત્રીશ્રીએ ધ્વજ વંદન કર્યા બાદરાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે હાથમાં માટી-દિવો લઈ સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કલા નૃત્ય મંડળ, પોલીસ હેડ કવાટર્સ પ્રાથમિક શાળા, બાલાજી નવયુવક મંડળ, સરીબુજરંગ, અમલસાડ, નુપુર નર્તન કલા કેન્દ્ર, વલસાડ અને હિન્દી માધ્યમ શાળા મોગરાવાડીના વિદ્યાર્થીઓ તેમજ કલાકારો દ્વારા રાસ, ગરબા, નૃત્ય સાથે દેશભક્તિના માહોલમાં સાંસ્કળતિક કાર્યક્રમ રજૂ થયો હતો.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સંસદસભ્ય ડો. કે.સી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ સમિતિના ચેરમેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલે કર્યુ હતું. જ્યારે આભારવિધિ વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ખુશાલી ભંડારીએ કર્યુ હતું.