જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાનના અધિકારીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન વિશે આપેલી વિસ્તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાન અને દમણ ખાતેની દામિની વુમન્સ ફાઉન્ડેશનના સહયોગથી ‘‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” અંતર્ગત લોક કલ્યાણની યોજનાઓની માહિતી આપવા માટે આજે સાંજે 4:00 વાગ્યાના અરસામાં નાની દમણ સ્થિત દામિની વુમન્સ ફાઉન્ડેશનના કાર્યાલયમાં જિલ્લાની મહિલાઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નુલ્મહેડ(સાઉથ-વેસ્ટ દિલ્હી) શ્રી નવીન કોટિયા અને રાષ્ટ્રીય જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાનના અધ્યક્ષ શ્રી રાજ મણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દામિની મહિલા ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્પલ કાટેલા અને શ્રીમતી તરુણા પામસી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જન કલ્યાણ યોજના પ્રચાર અભિયાનના લોકોએ ઉપસ્થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્યું કે આ રીતે મહિલાઓ તેમના ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે ઘણી યોજનાઓનો લાભ લઈ શકે છે.
દામિની વુમન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્પલ કાટેલાએ જણાવ્યું હતું કે, આપણાં દેશના સફળ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘણી લોક કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકી છે જેથી દરેક વર્ગના લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે. આ સાથે, ઘણી યોજનાઓ માટે લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક વ્યક્તિ લોન લઈને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દરેક યોજનાનો મહિલાઓએ લાભ લેવો જોઈએ.