ગાયત્રી મંદિર ટ્રસ્ટીઓએ માનવતાની રાહે જગ્યા ઉપયોગ માટે આપી હતીઃ ટ્રસ્ટીઓ દ્વારા માર્કેટના ગેટને તાળુ મારી બંધ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: સેલવાસના આમલી ગાયત્રીમંદિર મેદાન ખાતેની શાકભાજી માર્કેટમાં જગ્યાના ભાડા બાબતે વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ જગ્યા ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓએ માનવતાની રાહે ઉપયોગ માટે હતી, પરંતુ હવે ટ્રસ્ટીઓ દ્વારા જ માર્કેટના ગેટને તાળુ મારી દેતાં વિક્રેતાઓ અસમંજસ સાથે મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના આમલી વિસ્તારમાં ગાયત્રી મંદિર ટ્રસ્ટની જગ્યા પર અઢી વર્ષ પહેલા બહુમાળી રોડ પર બેસી શાકભાજી વેચતા વેપારીઓને પાલિકા દ્વારા એવું જણાવેલ કે અહીં નવી માર્કેટ બનાવવામાં આવનાર છે જેથી આ જગ્યા ખાલી કરવી પડશે અને તમને લોકોને ગાયત્રી મંદિર મેદાન પર છ મહિના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવી છે. જે વાતને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા બહુમાળીથી બાવીસા ફળીયા રોડ પર માર્કેટનું કામ શરૂ કરેલ નથી. આટલા સમય સુધી ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માનવતાના ધોરણે મફતમાં જગ્યા વાપરવા માટે આપી હતી.
હાલમાં ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા એમની જગ્યા પર બેસતા શાકભાજીના વેપારીઓ પાસે મિનિમમ ભાડું લેવાનું નક્કી કરવામાં આવેલ તે સંદર્ભે ટ્રસ્ટીઓ અને કેટલાક વેપારીઓ સાથે બેસી મિટિંગ કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટીઓએ મહિનાનું ત્રણ હજાર રૂપિયા ભાડું રાખવાનું નક્કીકરેલ તેની સામે વેપારી મિત્રો દ્વારા બે હજાર ભાડું રાખવા જણાવેલ જે ફાઇનલ કરવામાં આવેલ, ત્યારબાદ ટ્રસ્ટના સભ્યો દ્વારા માર્કેટમાં બેસતા વેપારીઓ પાસે જઈ લીસ્ટ બનાવવાનું નક્કી કરી માર્કેટમાં ગયેલ તો માર્કેટમાં બેસતા વેપારીઓએ તેનો વિરોધ કર્યો હતો અને જણાવેલ કે અમે લોકો હાલમાં નગરપાલિકા દ્વારા લેવામાં આવતુ ભાડું પણ ચૂકવીએ છીએ અને હવે તમારા દ્વારા પણ ભાડુ લેવામાં આવશે તો અમે કેવી રીતે આપીશું. ત્યારબાદ વેપારીઓ પાલિકા કચેરી પર ચીફ ઓફિસરને એમના પ્રશ્ન અંગે રજૂઆત કરવા ગયા હતા પરંતુ તેઓ રજા પર હોવાથી મળી શક્યા ન હતા. જ્યારે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ પ્રશ્નના નિકાલ માટે બે દિવસનો સમય માંગ્યો હતો, બાદમા તમામ વેપારીઓ-વિક્રેતાઓ સાંસદ કાર્યાલય પર સાંસદશ્રીને મળવા ગયા હતા જ્યાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પણ આ બાબતે ઘટતુ કરી આપવાનું આશ્વાશન આપ્યુ હતું.
ટ્રસ્ટીઓએ શનિવારના રોજ સવારથી માર્કેટ બંધ કરાવી દીધી હતી અને માર્કેટનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે નાના ગરીબ શાકભાજી વિક્રેતાઓની હાલત કફોડી બની જવા પામી છે. હવે જોવું એ રહ્યું કે લોકો માટે ચૂંટાયેલા જન પ્રતિતિઓ અને પ્રશાસન અસરગ્રસ્તો માટે ન્યાય અપાવવા કેવા પગલાં ભરે? જો ટ્રસ્ટ દ્વારાઆ જગ્યા ખાલી કરાવી દેવામાં આવે તો છૂટક વેપારી કરતી મહિલાઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય રહેલો છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સુખદ સમાધાન કરાવે એ જરૂરી બન્યું છે.