ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ.પી. ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. શર્મા તથા એસ.આઈ.ટી. ટીમનું સન્માન કર્યું, પોલીસ ટીમને રૂા.12.09 લાખનું ઈનામ અપાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: સમગ્ર વલસાડ જિલ્લામાં ચકચાર મચાવેલ પારડી મોતીવાડા રેપ વીથ મર્ડર કેસના સિરિયલ કિલર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી કેસ સફળતાપૂર્વક ડીટેક્ટ કરવા બદલ ગૃહમંત્રીએ વલસાડ પોલીસ ટીમનું સન્માન કર્યું હતું. ગાંધી નગર ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા એસ.આઈ.ટી. ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા માટે નવેમ્બર તા.19-2024 નો દિવસ ગોઝારો દિવસ બની ઉઠયો હતો. પારડીના મોતીવાડા ગામની એક વિદ્યાર્થીનીનું અજાણ્યા યુવકેઆંબાવાડી વિસ્તારમાં લઈ જઈ બેરહેમ દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરી હતી. આ કેસની વલસાડ પોલીસે બારીકાઈથી કુનેહ પૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી હતી. 11 દિવસ પોલીસના 12 પીઆઈ, 17 પી.એસ.આઈ., 4 ડીવાયએસપી અને 300 થી વધુ પોલીસ જવાનો આરોપી શોધવા સતત ઝઝુમ્યા હતા. તપાસના વિવિધ પાસા કડીઓ-સીસીટીવી ફૂટેજની તપાસના અંતે આરોપીને વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો. આરોપીને ઝડપનાર બે પોલીસ કર્મીઓનું પણ મોતીવાડા સરપંચએ 50 હજારનું ઈનામ આપ્યું હતું. સમગ્ર કેસને ડીટેક્ટ કરવા બદલ ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી. એ.કે. શર્મા અને એસ.આઈ.ટી. ટીમનું ભવ્ય સન્માન કરાયું હતું તેમજ 12.09 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આઈ.જી., ડી.જી. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.